
મુંબઈ:શિવસેનાના સાંસદ સંજય રાઉતને ગોરેગાંવ પાત્રા ચોલ કૌભાંડમાં મુંબઈ સેશન્સ કોર્ટમાંથી 101 દિવસ પછી જામીન મળી ગયા છે.મુંબઈની પીએમએલએ કોર્ટે 2 નવેમ્બરે તેની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવી હતી.જો કે, કોર્ટે રાઉતની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો,જે 9 નવેમ્બરના રોજ સંભળાવવાનો હતો.
પાત્રા ચોલ કૌભાંડ શું છે ?
પાત્રા ચોલ મુંબઈના ગોરેગાંવમાં બને છે.જે વિસ્તારમાં આ ફ્લેટ રિડેવલપ થવાના હતા તે 47 એકરનો હતો.લગભગ 1,034 કરોડનું કૌભાંડ હોવાનો આરોપ છે.2018માં,મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો.આ કેસ રાકેશ કુમાર વાધવાન, સારંગ કુમાર વાધવાન અને અન્યો સામે હતો.
ED અનુસાર, તપાસ દરમિયાન એ વાત સામે આવી કે ગુરુ આશિષ કન્સ્ટ્રક્શનને પાત્રા ચોલ ના પુનઃનિર્માણનું કામ મળ્યું હતું. આ કામ તેમને મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સોંપવામાં આવ્યું હતું.
આ પ્લોટ પર 3 હજાર ફ્લેટ બાંધવાનું કામ ગુરુ આશિષ કન્સ્ટ્રક્શન કંપનીને મળ્યું હતું.તેમાંથી 672 ફ્લેટ અહીં પહેલાથી રહેતા રહેવાસીઓને આપવાના હતા.બાકીનો ભાગ મ્હાડા અને ઉક્ત કંપનીને આપવાનો હતો,પરંતુ વર્ષ 2011માં આ પ્લોટનો કેટલોક ભાગ અન્ય બિલ્ડરોને વેચી દેવામાં આવ્યો હતો.
ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને ફ્લેટ બનાવ્યા વિના આ જમીન 9 બિલ્ડરોને વેચી દીધી, જેમાંથી તેને 901.79 કરોડ રૂપિયા મળ્યા.બાદમાં ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને મીડોઝ નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો અને ઘર ખરીદનારાઓ પાસેથી ફ્લેટ માટે રૂ. 138 કરોડ એકત્ર કર્યા.
તપાસમાં સામે આવ્યું છે કે ગુરુ આશિષ કન્સ્ટ્રક્શને ગેરકાયદેસર રીતે રૂ. 1,039.79 કરોડથી વધુની કમાણી કરી હતી. EDને તેની તપાસમાં જાણવા મળ્યું કે રાકેશ કુમાર વાધવાન, સારંગ કુમાર વાધવાન, ત્રણેય HDILમાં પણ ડિરેક્ટર હતા. HDILએ પ્રવીણ રાઉતના ખાતામાં લગભગ 100 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા.
ઇડીએ 1 ફેબ્રુઆરીએ ECIR નોંધ્યું હતું. આ કેસમાં પ્રવીણ રાઉત અને તેના સહયોગી સુજીત પાટકરના કુલ 7 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ પછી, પ્રવીણ રાઉતની 2 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.
પ્રવીણ અને સંજય રાઉત ખૂબ જ સારી મિત્રતા ધરાવે છે. જ્યારે EDએ પ્રવીણને પકડ્યો ત્યારે સંજય રાઉતનું નામ સામે આવ્યું હતું. પ્રવીણની પત્નીએ સંજય રાઉતની પત્ની વર્ષાને 83 લાખ રૂપિયાની લોન પણ આપી હતી.
સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતે આ રકમનો ઉપયોગ દાદરમાં ફ્લેટ ખરીદવા માટે કર્યો હતો. 5 એપ્રિલે, EDએ આ જ કેસમાં શિવસેનાના નેતા સંજય રાઉતના અલીબાગ પ્લોટની સાથે દાદર અને મુંબઈમાં એક-એક ફ્લેટ જપ્ત કર્યો હતો.
સુજીત પાટકર પણ સંજય રાઉતના નજીકના ગણાય છે. પાટકરને મુંબઈ અને થાણેમાં ઘણી જગ્યાએ કોવિડ કેન્દ્રો બનાવવાનો કોન્ટ્રાક્ટ પણ મળ્યો હતો. નેતા કિરીટ સોમૈયાએ આ કોન્ટ્રાક્ટમાં ગેરરીતિનો આક્ષેપ કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
નોંધનીય છે કે,રાઉતને 31 જૂલાઈએ ઈડીએ ધરપકડ કર્યા હતા.શિવસેવા સાંસદની જામીન અરજી પર કેટલીય વાર સુનાવણી તારીખ પડી પણ દરેક વખતે કોર્ટે તેમની જ્યૂડિશિયલ કસ્ટડી લંબાવી દીધી.આખરે જૂલાઈથી જેલમાં બંધ રાઉતને જામીન મળી ગયા.