
રાજકોટ : શહેરમાં રોડ અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. વાહનોની ગતિ મર્યાદા નક્કી ન હોવાથી રોડ પર વાહનો બેફામ ગતિથી દાડી રહ્યા છે. જેમાં સિટીબસ પણ બાકાત નથી. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક નજીક બેકાબુ સીટી બસે બાઈક સવાર પી.એસ.આઈ. અને તેમના પત્નીને ઠોકરે લેતા પોલીસ હેડ ક્વાર્ટરના પોલીસ બેન્ડના પી.એસ.આઈનું મોત નીપજ્યું હતું જયારે તેમના પત્નીને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં મોતને ભેટેલા પી.એસ.આઈ. ફરજ પર જતા હતા તેમજ તેમના પત્નીને શાકભાજી લેવા માટે નીકળ્યા હોય તેને રસ્તામાં ઉતારે તે પહેલા જ આ બનાવ બન્યો હતો. અકસ્માત બાદ સીટી બસનો ચાલક મુસાફરો સાથેની સીટી બસ રેઢી મૂકી નાસી ગયો હતો.પોલીસે ચાલક સામે ગુનો નોંધી તેને સકંજામાં લઇ કાર્યવાહી કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરના જામનગર રોડ પર મોચીનગર 6 શીતલ પાર્ક મેઈન રોડ ઉપર રહેતા અને પોલીસ હેડક્વાટરમાં બેન્ડ વિભાગમાં ફરજ બજાવતા પી.એસ.આઈ. હસનભાઈ આમદભાઈ અઘામ (ઉ.વ. 58) ઘરેથી પોતની ફરજ ઉપર જતા હતા તે દરમિયાન પત્ની હસીનાબેનને શાકભાજી લેવા માટે જવું હોય બન્ને બાઈક પર સવાર થઈને નીકળ્યા હતા ત્યારે શીતલ પાર્ક પાસે સીટી બસ નંબર જીજે 03 એટી 9574 ના ચાલકે બેફીકરાઇથી બસ ચલાવી બાઈકને ઠોકરે લેતા અક્સમાત સર્જાયો હતો. જેન પગલે લોકોના ટોળાં એકત્ર થઇ ગયા હતા. બાદમાં 108 મારફત પી.એસ.આઈ એચ.એ.અઘામ અને તેમના પત્ની હસીનાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ ટૂંકી સારવારમાં પી.એસ.આઈ એચ.એ.અઘામનું મૃત્યુ નીપજ્યું હતું. પી.એસ.આઈ એચ.એ.અઘામના મૃત્યુને લઇને પોલીસ બેડામાં શોક છવાઈ ગયો હતો.
ગાંધીગ્રામ પોલીસે આ બનાવ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી.પોલીસ તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ પી.એસ.આઈ. એચ.એ.અઘામ પોલીસ કોન્સ્ટેબલ તરીકે એસ.આર.પી ગોંડલ ખાતે જોડાયા બાદ પાંચ વર્ષ પૂર્વ જ તેમને પી.એસ.આઈ તરીકે બઢતી મળી હતી. રાજકોટ સીટી પોલીસ હેડ ક્વાટર્સ ખાતે પોલીસ બેન્ડમાં ફરજ ઉપર મુકાયા હતા અને છ માસ પછી નિવૃત થવાના હતા. પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ગાર્ડ ઓફ્ ઓનર અપાયું હતું. ગાંધીગ્રામ પોલીસે મૃતક પી.એસ.આઈ એચ.એ.અઘામના પુત્ર વસીમભાઈની ફરીયાદ ઉપરથી સીટી બસ નંબર જીજે 03 એટી 9574 ના ચાલક સામે ગુનો નોંધ્યો છે.