ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે દ્વિપક્ષીય વેપાર 24.1 બિલિયન ડોલરને પાર પહોંચ્યો
નવી દિલ્હી, 2 એપ્રિલ 2026: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના આર્થિક સંબંધોમાં આજે એક ઐતિહાસિક સિદ્ધિ ઉમેરાઈ છે. ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર પર હસ્તાક્ષર થયાને આજે ચાર વર્ષ પૂર્ણ થયા છે. આ ચાર વર્ષમાં બંને દેશો વચ્ચેનો વેપાર માત્ર વધ્યો જ નથી, પરંતુ ભારતીય નિકાસકારો માટે ઓસ્ટ્રેલિયાના દરવાજા કાયમી ધોરણે ખુલી ગયા છે.
આંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો, છેલ્લા ચાર વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં ભારતની નિકાસમાં ધરખમ વધારો થયો છે. નાણાકીય વર્ષ 2020-21માં ઓસ્ટ્રેલિયામાં ભારતની નિકાસ 4 બિલિયન યુએસ ડોલર હતી, જે વર્ષ 2024-25માં વધીને 8.5 બિલિયન યુએસ ડોલર થઈ ગઈ છે. વર્ષ 2024-25 દરમિયાન બંને દેશો વચ્ચેનો કુલ દ્વિપક્ષીય વેપાર 24.1 બિલિયન યુએસ ડોલર નોંધાયો છે. ફેબ્રુઆરી 2026 સુધીમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સાથેનો કુલ વેપાર 19.3 બિલિયન યુએસ ડોલર રહ્યો છે.
આ કરારની સૌથી મોટી વિશેષતા એ છે કે ઓસ્ટ્રેલિયાએ તેની 100 ટકા ટેરિફ લાઇન પર ભારતને એક્સેસ આપ્યો છે. 1 જાન્યુઆરી, 2026થી તમામ ભારતીય નિકાસ ઓસ્ટ્રેલિયન બજારમાં શૂન્ય-ડ્યુટી સાથે પ્રવેશવા માટે પાત્ર બની છે. ભારત મુખ્યત્વે કાપડ, ફાર્માસ્યુટિકલ્સ, અને રસાયણોની નિકાસ કરે છે, જ્યારે ઓસ્ટ્રેલિયા પાસેથી કાચો કપાસ, ખાતર અને કઠોળ જેવા જરૂરી કાચા માલની આયાત સરળ બની છે.
સપ્ટેમ્બર 2025માં બંને દેશોએ ઓર્ગેનિક ઉત્પાદનો પર મ્યુચ્યુઅલ રેકગ્નિશન એરેન્જમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. આનાથી ભારતીય ઓર્ગેનિક ખેડૂતો અને નિકાસકારો માટે ઓસ્ટ્રેલિયામાં માલ વેચવો વધુ સરળ બન્યો છે, કારણ કે હવે બંને દેશો એકબીજાની પ્રમાણપત્ર પ્રણાલીઓને માન્યતા આપે છે. આનાથી નિકાસકારોના સમય અને ખર્ચમાં મોટો બચાવ થયો છે.
ECTA કરાર માત્ર મોટા ઉદ્યોગો માટે જ નહીં, પરંતુ ભારતના લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે પણ વરદાન સાબિત થયો છે. કરારને કારણે સપ્લાય ચેઇન મજબૂત બની છે અને ભારતના ઉત્પાદન ક્ષેત્રને મોટું પ્રોત્સાહન મળ્યું છે, જેનાથી હજારો નવી રોજગારીની તકો ઊભી થઈ છે. વેપાર નિષ્ણાતો માને છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ આર્થિક ભાગીદારી આગામી દાયકામાં ચીન પરની નિર્ભરતા ઘટાડવામાં અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતનું કદ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. 2026ના આ વર્ષમાં બંને પક્ષો રોકાણ ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે કટિબદ્ધ છે.


