
પાંચ રાજ્યોની ચૂંટણીમાં વિજયી બનતા જીતના ઢોલ ગુજરાતમાં વાગ્યા, ભાજપ-આપએ જશ્ન મનાવ્યો
અમદાવાદ : લોકસભાની 2024ની ચૂંટણી પહેલાની સેમી ફાયનલ ગણાતી પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપએ ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં જીત તરફની કૂચમાં આગળ વધતા ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ જશ્ન મનાવ્યો હતો. જ્યારે આમ આદમી પાર્ટીએ પંજાબમાં બહુમતી મેળવીને સત્તા કોંગ્રેસ પાસેથી આંચકી લેતા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ ઢોલ વગાડીને ખૂશી મનાવી હતી.
યુપી, ગોવા, ઉત્તરાખંડમાં ભાજપનો વિજય થતાં અને યુપીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ત્યારે ગુજરાતમાં આ જીતનો જશ્ન શરૂ થઈ ગયો હતો. એક તરફ ભાજપ દ્વારા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે ઊજવણીનું આયોજ કરાયુ હતું. તો બીજી તરફ, આપ ગુજરાતના કાર્યકર્તાઓ દ્વારા રોડ શો દ્વારા પંજાબની જીતને વધાવવામાં આવી હતી. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ચાર રાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. જેથી ગુજરાતના તમામ જિલ્લા-મહાનગરના ભાજપ કાર્યાલય ખાતે વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ સીઆર પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા અન્ય પદાધિકારીઓ હાજર રહીને ઉજવણી કરવામાં આવી હતી.
પાંચ રાજ્યોના પરિણામો પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યુ કે, પાંચ રાજ્યોમાંથી ચાર રાજ્યોમાં ભાજપે જીત મેળવી છે, મોદી સાહેબ અને અમિત શાહના અથાગ પ્રયત્નોથી પરિણામો પ્રાપ્ત થયા છે. ચાર રાજ્યોમાં બહુમતીથી ભાજપ સરકાર બનાવશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, દેશભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. તમામ રાજ્યોમાં ભાજપે લોકોપયોગી કામગીરી કરી હતી. લોકો માટે કરેલા કામ પરિણામોમાં જોવા મળી રહ્યા છે. મોદી સાહેબ અને ભાજપ પર લોકોનો વિશ્વાસ ટકેલો છે. યુપીમાં ગુંડારાજ ખત્મ કરવાનું કામ ભાજપે કર્યું છે. ગરીબો માટે ભાજપની સરકારોએ કામ કર્યા છે. વર્ષો બાદ યુપીમાં કોઈ સરકાર રિપીટ થઈ છે.
આપના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, પંજાબની જનતાએ વોટ નથી આપ્યો, પણ અરવિંદ કેજરીવાલની ઈમાનદારી પર વોટ આપ્યો છે. આ જીતનો અર્થ એ છે કે તેની અસર ગુજરાત પર થશે. ગુજરાતની જનતા ભાજપ સરકાર અને કોંગ્રેસથી ત્રાહિમામ પોકારી ગઈ છે. ભાજપ અહી લોકપ્રિય નથી, પણ લોકો પાસે વિકલ્પ ન હતો. હવે આમ આદમી પાર્ટી નેશનલ પાર્ટી બની ગઈ છે. ગુજરાતની જનતા પર તેના પર વિશ્વાસ કરશે. ગુજરાતમાં પણ તેની લહેર આવશે. દિલ્હી સરકાર મફત વીજળી આપે છે, છતા સરકારને બોજો નથી પડતો. તો ગુજરાતમાં કેમ નહિ.