બંગાળમાં ભાજપ સરકારનો નિર્ણય, મહિલાઓને દર મહિને રૂ.૩૦૦૦ મળશે
કોલાકાત, 18 મે 2026: પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવેલા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની સરકારે આજે યોજાયેલી મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકમાં રાજ્યની જનતા માટે અનેક મોટા અને ઐતિહાસિક નિર્ણયો લીધા છે. બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા રાજ્ય સરકારના મંત્રી અગ્નિમિત્રા પૌલે કેબિનેટના નિર્ણયોની વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, સરકારે મહિલા સશક્તિકરણ અને સરકારી કર્મચારીઓના હિતમાં મોટા કદમ ઉઠાવ્યા છે, જેમાં ‘અન્નપૂર્ણા યોજના’ અને સાતમા પગાર પંચની જાહેરાત મુખ્ય છે.
રાજ્ય સરકારે મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટે અન્નપૂર્ણા યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. આ યોજના હેઠળ આગામી 1 જૂનથી રાજ્યની મહિલાઓને દર મહિને રૂ. ૩,૦૦૦ ની આર્થિક સહાય સીધી તેમના ખાતામાં આપવામાં આવશે. આ ઉપરાંત, સીએએ (નાગરિકતા સુધારા કાયદો) હેઠળ નાગરિકતા માટે અરજી કરનારા અને મતદાર યાદીમાં નામ સામેલ કરવા ટ્રિબ્યુનલમાં અરજી કરનારા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે. 1જૂનથી જ રાજ્યની તમામ મહિલાઓ માટે સરકારી બસોમાં મફત મુસાફરીની સુવિધાને પણ કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના સરકારી કર્મચારીઓ, સંલગ્ન વૈધાનિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓના સ્ટાફ માટે લાંબા સમયથી પડતર માંગણી સ્વીકારીને, સરકારે સાતમા પગાર પંચના ગઠનને મંજૂરી આપી દીધી છે. એક મોટા નીતિગત નિર્ણયમાં, રાજ્ય કેબિનેટે આગામી જૂન મહિનાથી ધાર્મિક આધાર પર વિવિધ જૂથોને આપવામાં આવતી તમામ સરકારી સહાય કે ભથ્થાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
પ્રથમ કેબિનેટમાં પણ લેવાયાં હતા મહત્વના નિર્ણય
અત્રે ઉલ્લેખનીય છે કે, શુભેન્દુ સરકારે પોતાની પ્રથમ કેબિનેટ બેઠકમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ચૂંટણી વાયદાઓને પૂરા કરતા અનેક મહત્વના નિર્ણયો લીધા હતા, શાળાઓમાં નોકરી માટે અરજી કરનારા ઉમેદવારો માટે વયમર્યાદામાં 5 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. અગાઉની તૃણમૂલ કોંગ્રેસ સરકારે કેન્દ્રની આ સ્વાસ્થ્ય વીમા યોજનાને બંગાળમાં રોકી રાખી હતી. હવે શુભેન્દુ સરકારે તેને મંજૂરી આપતાં ગરીબ પરિવારોને મફત સારવારનો લાભ મળશે. બાંગ્લાદેશ સરહદ પર ઘૂસણખોરી અટકાવવા માટે ફેન્સિંગ (વાડ) બનાવવા બીએસએફને જમીન આપવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે, જે પ્રક્રિયા 45 દિવસમાં પૂર્ણ થશે. અગાઉની સરકાર દ્વારા નકારવામાં આવેલી ‘ભારતીય ન્યાય સંહિતા’ (BNS) ને બંગાળમાં સત્તાવાર રીતે લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથોસાથ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જૂન ૨૦૨૫ ના વસ્તી ગણતરી સંબંધિત પરિપત્રને પણ તાત્કાલિક પ્રભાવથી લાગુ કરવાનો આદેશ કરાયો છે. પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ નવી સરકારના આ નિર્ણયોને વહીવટી તંત્રમાં મોટા સુધારા અને પ્રજા કલ્યાણ તરફના મજબૂત કદમ તરીકે જોવામાં આવી રહ્યા છે.


