દાહોદ જિલ્લાના સુખસર ખાતે ભાજપનું ‘બૂથ કાર્યકર્તા સંમેલન’ યોજાયું
- આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ‘મેરા બુથ સબસે મજબૂત’ના મંત્ર સાથે ભાજપાને વિજયી બનાવવા કાર્યકર્તાઓને આહ્વાન કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા
દાહોદ, 19 માર્ચ, 2026 – ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં આજે ગુરુવારે દાહોદ જિલ્લાના સુખસર ખાતે ફતેપુરા વિધાનસભાનું ‘બૂથ કાર્યકર્તા સંમેલન’ યોજાયું હતું. આ પૂર્વે જગદીશભાઈ વિશ્વકર્માએ બુથ નં. ૧૩૮ ના પ્રમુખ જેન્તીભાઇ ખાનાભાઈ પરમારના નિવાસસ્થાને અલ્પાહાર લઈ પરિવાર સાથે મુલાકાત કરી હતી.
બુથ કાર્યકર્તા સંમેલનમાં જગદીશભાઈ વિશ્વકર્માએ ચૈત્રી નવરાત્રીની શુભકામનાઓ પાઠવી ‘ જય જોહાર, જય આદિવાસી‘ ના નાદ સાથે સંબોધનની શરૂઆત કરી હતી અને સુખસરની પવિત્ર ધરતી પર વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓને ઉપસ્થિત જોઈ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ કહ્યું હતું કે અંબાજીથી ઉમરગામ સુધીના પ્રવાસ દરમિયાન મને આદિવાસી ભાઈ-બહેનોના ઘરે ભોજન કરવાનો અવસર મળ્યો છે.
સ્વતંત્રતા સંગ્રામનો ગૌરવશાળી ઇતિહાસ
દાહોદ જિલ્લો અને માનગઢ હિલ સ્વતંત્રતા સંગ્રામના ગૌરવશાળી ઇતિહાસનો સાક્ષી છે. 20-25 વર્ષ પહેલાં ગામડાઓમાં પાણી માટે ભારે મુશ્કેલી હતી, મહિલાઓને કિલોમીટરો દૂર જઈ પાણી લાવવું પડતું હતું. આજે ભાજપા સરકારના પ્રયાસોથી તળાવો ભરાયેલા છે અને સિંચાઈ માટે 5500 કરોડ રૂપિયાની યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. સિંચાઈ માટે પાણી ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડવાની વ્યવસ્થા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કરી છે.
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટ હવે તારીખ-પે-તારીખ ચલાવી લેવાના મૂડમાં નથી, મુદત પાડવાના નિયમો કડક બનશે
વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે આ પંથકમાં માત્ર ધૂળ ઉડતી હતી, પરંતુ આજે સ્ટેટ હાઈવે થી નેશનલ હાઈવે સુધી રોડ કનેક્ટિવિટી ભાજપાની કમળવાળી સરકારે આપી છે. આજે ગામડાનો ખેડૂત પોતાની ઉપજ સીધી બજારમાં લઈ જઈ શકે છે અને ગામડાથી શહેર સુધીનો સંપર્ક મજબૂત થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ, ખેડૂત અને આદિવાસી સમાજના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે.
આદિવાસી પરિવારોના ઘરે પણ સોલર પેનલ
આયુષ્માન કાર્ડથી ગરીબ પરિવારને મફત સારવાર મળી રહી છે, કિસાન સન્માન નિધિથી ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા જમા થાય છે, ગરીબોને પાકા મકાનો અને મફત અનાજ મળ્યા છે. દાહોદના આદિવાસી પરિવારોના ઘરે પણ સોલર પેનલ અને ખેતી માટે સોલર સુવિધા આપવામાં આવી રહી છે. આદિવાસી સમાજના બાળકોને સારો અભ્યાસ મળે તે માટે એકલવ્ય સ્કૂલ જેવી સુવિધાઓ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. ભગવાન બિરસા મુન્ડાને સાચું સન્માન આપવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે 60 વર્ષ સુધી રાજ કર્યું છતાં આદિવાસી સમાજના વિકાસ માટે કોઈ કામ કર્યું નહીં, માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કર્યો. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ ભુલે ચુકે જો તમારા ઘરે આવે તો તેમને પૂછજો કે 60 વર્ષ સુધી રાજ કર્યું ત્યારે આદિવાસી સમાજ માટે શું કર્યું. કોંગ્રેસ માત્ર ચૂંટણી આવે ત્યારે જ લોકો વચ્ચે આવે છે અને ભોળા આદિવાસી ભાઈ-બહેનોને ખોટા વચનો અને લાલચો આપી છેતરવાનું કામ કરે છે. ચૂંટણી પૂરી થઈ જાય પછી કોંગ્રેસના નેતાઓ લોકો વચ્ચે દેખાતા નથી, જ્યારે ભાજપાના કાર્યકર્તાઓ સતત લોકોના સુખ-દુઃખમાં ભાગીદાર બને છે.
માત્ર પરિવારવાદની રાજનીતિ
તેઓએ કહ્યું કે, આજે કોંગ્રેસ પાસે માત્ર પરિવારવાદની રાજનીતિ જ બચી છે. પહેલા નહેરુ આવ્યા, પછી ઇન્દિરા આવ્યા, પછી રાજીવ ગાંધી આવ્યા, ત્યારબાદ રાહુલ ગાંધી આવ્યા અને હવે પ્રિયંકા ગાંધીને આગળ લાવવાની તૈયારી ચાલી રહી છે. કોંગ્રેસ પાસે કોઈ મજબૂત નેતૃત્વ નથી. કોંગ્રેસના નેતાઓ લોકોના સુખ-દુઃખમાં ક્યારેય ભાગીદાર બન્યા નથી. કે અતિવૃષ્ટિ હોય કે અન્ય કુદરતી આફત હોય અને ખેડૂતોને નુકસાન થયું હોય ત્યારે કોંગ્રેસનો એક પણ નેતા લોકોની વચ્ચે જોવા મળ્યો નહોતો, જ્યારે ભાજપાના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે પહોંચ્યા હતા અને સરકારે ખેડૂતોના ખાતામાં સીધા સહાયના રૂપિયા જમા કરાવ્યા હતા.
આ પણ વાંચોઃ ગંભીરા બ્રિજ પર લિંક સ્પાન લગાવવાની કામગીરી પૂર્ણ થતાં લાઈટ વાહનો માટે શરૂ કરાશે
ભાજપ પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે, કોંગ્રેસે ક્યારેય ગરીબોના આંસુ લૂછ્યા નથી અને ક્યારેય ગરીબોને મફત અનાજ, પાકા મકાનો કે ગેસના બાટલા જેવી સુવિધાઓ આપવાનો વિચાર કર્યો નથી. કોંગ્રેસ માત્ર વચનો આપે છે અને ચૂંટણી પૂરી થયા પછી લોકો વચ્ચે દેખાતી નથી. ભાજપની સરકાર એવી છે કે જે સામે ચાલીને તમને હિસાબ આપે છે, કોગ્રેસે ક્યારેય હિસાબ આપ્યો નથી. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આદિવાસી સમાજની દીકરી છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં તેમના અપમાનના મુદ્દે પણ કોંગ્રેસે એક શબ્દ બોલ્યો નથી. કોંગ્રેસ સતત આદિવાસી સમાજને અવગણતી આવી છે. કોંગ્રેસ હવે માત્ર વચનો આપતી પાર્ટી બની ગઈ છે, જ્યારે ભાજપા સરકાર લોકોના સુખ-દુઃખમાં ભાગીદાર બની કામ કરતી સરકાર છે.
સંબોધનના અંતે જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને ‘મેરા બુથ સબસે મજબૂત’ના મંત્ર સાથે સંગઠન વધુ મજબૂત બનાવવાનું આહ્વાન કરી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કમળના નિશાન પર મત આપવા જનતાને અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી રમેશભાઇ કટારા, પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ મંત્રી શંકરભાઈ આંબલીયાર, સાંસદ જશવંતસિંહ ભાભોર, દાહોદ જિલ્લાના પ્રભારી રાજેશભાઇ, જિલ્લા ભાજપા પ્રમુખ સ્નેહલભાઈ ધરીયા સહિત સ્થાનિક ભાજપા આગેવાનો, અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


