
રાજકોટઃ દિવાળીના પર્વને હવે બે દિવસ બાકી રહ્યા છે. દિવાળીના પર્વને લીધે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે શનિવારે ધનતેરસના દિવસે લોકોને ખૂબ ઓછા ખર્ચમાં મજા કરાવતી આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. આતશબાજીમાં અવનવા ફટાકડાઓના કારણે આકાશમાં અવનવી રંગબેરંગી રંગોળી જોવા મળે છે.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે શનિવારને ધનતેરસના શુભ દિવસે સાંજે 7 કલાકે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે આતશબાજીનુ આયોજન કરવામાં આવશે. જેનું ઉદઘાટન સંસદ સભ્ય તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે થશે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા રાજ્યના વાહન વ્યવહાર, યાત્રાધામ વિકાસના મંત્રી અરવિંદ રૈયાણીના અધ્યક્ષસ્થાને અને મેયર ડો. પ્રદિપ ડવ ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાશે.
મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ ખાતે યોજાનારા આતશબાજીના કાર્યક્રમમાં પ્રવેશ માટે બહુમાળી ભવન ચોક પાસેના ચબૂતરા પાસેના સ્ટેડિયમના ગેઇટથી અને ઇન્ડોર સ્ટેડિયમ પાસેના ગેઇટથી પ્રવેશ મળશે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ રાજકોટની મુલાકોતે આવી રહ્યા છે, ત્યારે શનિવારે શહેરમાં ભાજપના નવા કાર્યાલય કમલમનું ઉદધાટન સી.આર.પાટીલના હસ્તે કરાશે. પ્રદેશના હોદ્દેદારો અને શહેરના આગેવાનો, પદાધિકારીઓની હાજરીમાં ભાજપનો નવો ગૃહપ્રવેશ થશે. દાયકાઓ જૂના કરણપરા કાર્યાલયમાંથી પક્ષનું 150 ફૂટ રીંગ રોડ પર સ્થળાંતર થઇ રહ્યું છે ત્યારે જૂનું કાર્યાલય પણ સ્થાનિક કક્ષાએ ચાલુ રહેશે. વિશાળ ઓડિટોરીયમ અને વીડિયો હોલ સાથેનું આ સૌરાષ્ટ્રનું પ્રથમ કાર્યાલય છે. જેમાં વિવિધ મોરચાથી માંડી પ્રદેશ પ્રમુખ સુધીની ચેમ્બર બનાવવામાં આવી છે. 2250 વારમાં કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.