1. Home
  2. ગુજરાતી
  3. લુધિયાણા સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે લોહિયાળ જંગ: જેલ સુપરિન્ટેન્ડન્ટ પર ઈંટથી હુમલો
લુધિયાણા સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે લોહિયાળ જંગ: જેલ સુપરિન્ટેન્ડન્ટ પર ઈંટથી હુમલો

લુધિયાણા સેન્ટ્રલ જેલમાં કેદીઓ વચ્ચે લોહિયાળ જંગ: જેલ સુપરિન્ટેન્ડન્ટ પર ઈંટથી હુમલો

0
Social Share

નવી દિલ્હીઃ પંજાબની લુધિયાણા સેન્ટ્રલ જેલમાં મંગળવારે સાંજે કેદીઓના બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ હિંસાને શાંત પાડવા ગયેલા જેલ સુપરિન્ટેન્ડન્ટ કુલવંત સિદ્ધુ પર કેદીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. એક કેદીએ તેમના માથામાં ઈંટ ફટકારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, તાજપુર રોડ પર આવેલી સેન્ટ્રલ જેલમાં મંગળવારે સાંજે 7 વાગ્યાના સુમારે કોઈ અકળ કારણોસર કેદીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં હાથાપાઈમાં ફેરવાઈ ગઈ હતી. જેલ પરિસરમાં મચેલી અફરાતફરીને જોઈને વરિષ્ઠ જેલ અધિકારીઓ અને પોલીસ જવાનો દોડી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, અંદાજે 200 જેટલા કેદીઓએ બેરેક પાસે પોલીસકર્મીઓ પર હુમલો કરી દીધો હતો.

જેલની બહાર હાજર લોકોના જણાવ્યા અનુસાર, અંદરથી સતત 20 મિનિટ સુધી સાયરનનો અવાજ સંભળાતો રહ્યો હતો, જે ઘટનાની ગંભીરતા દર્શાવે છે. જેલની સુરક્ષા વ્યવસ્થાને નેવે મૂકીને કેદીઓએ જેલ સુપરિન્ટેન્ડન્ટ પર કરેલા હુમલા બાદ સમગ્ર પંજાબના જેલ પ્રશાસનમાં ફફડાટ ફેલાયો છે. પરિસ્થિતિને થાળે પાડવા માટે પોલીસ કમિશનર સ્વપન શર્મા ભારે પોલીસ કાફલા અને એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા પંજાબના જેલ મંત્રી લાલજીત સિંહ ભુલ્લરે ઉચ્ચ અધિકારીઓ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. હાલમાં જેલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. જેલ પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ આ ઘટનાએ જેલની અંદરની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code