1. Home
  2. ગુજરાતી
  3. એકનાથ શિંદેનો હુંકાર, મુંબઈમાં મહાયુતિનો જ મેયર બનશે
એકનાથ શિંદેનો હુંકાર, મુંબઈમાં મહાયુતિનો જ મેયર બનશે

એકનાથ શિંદેનો હુંકાર, મુંબઈમાં મહાયુતિનો જ મેયર બનશે

0
Social Share

મુંબઈ, 19 જાન્યુઆરી 2026: બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) ની ચૂંટણીમાં મહાયુતિના ભવ્ય વિજય બાદ હવે સૌની નજર મુંબઈના આગામી મેયર કોણ બનશે તેના પર ટકી છે. મેયર પદને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નવનિર્વાચિત કોર્પોરેટરો સાથે મુલાકાત કરી હતી, જેના કારણે રાજકીય ગલિયારાઓમાં હલચલ તેજ થઈ ગઈ છે.

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શનિવારે શિવસેના (શિંદે જૂથ) ના તમામ 29 નવનિર્વાચિત કોર્પોરેટરોને મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં રાખ્યા હતા. ત્યારબાદ તેમણે આ કોર્પોરેટરોની મુલાકાત લીધી હતી. આ બેઠક બાદ રાજકીય તાપમાન વધી ગયું છે અને મેયર પદ માટેની ગોઠવણો તેજ થઈ હોવાનું મનાય છે.

આ મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત કરતા એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, તેઓ નવનિર્વાચિત કોર્પોરેટરોનું માર્ગદર્શન કરવા ગયા હતા. તેમણે ઉમેર્યું કે, “બેઠક દરમિયાન વોર્ડમાં વિકાસ કાર્યોને કેવી રીતે આગળ ધપાવવા તેવા મહત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.” શિંદેએ ભારપૂર્વક કહ્યું કે તેમની પ્રાથમિકતા શહેરી વિકાસને ગતિ આપવાની છે.

જ્યારે પત્રકારોએ મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય શહેરોના મેયર પદ અંગે સવાલ કર્યો ત્યારે એકનાથ શિંદેએ આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, “ઠાણે, કલ્યાણ, ડોમ્બિવલી, ઉલ્લાસનગર – આ તમામ જગ્યાએ મહાયુતિનો જ મેયર હશે. મુંબઈમાં પણ મહાયુતિનો જ મેયર બનશે.” શિંદેના આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે ગઠબંધન મેયર પદને લઈને એકજૂથ છે અને ટૂંક સમયમાં જ કોઈ નામ પર મહોર મારવામાં આવી શકે છે.

BMC ચૂંટણીમાં ભાજપ 89 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, પરંતુ તેને એકલા હાથે બહુમતી મળી નથી. જોકે, તેની સહયોગી પાર્ટી શિવસેના (શિંદે જૂથ) ને 29 બેઠકો મળી છે, જેના કારણે મહાયુતિ ગઠબંધન બહુમતીના આંકડાની ખૂબ નજીક પહોંચી ગયું છે. હવે જોવાનું એ રહેશે કે મેયર પદ માટે મહાયુતિ કયા ચહેરા પર દાવ લગાવે છે અને આ સસ્પેન્સ પરથી ક્યારે પડદો ઉંચકાય છે.

આ પણ વાંચોઃ દિલ્હી-NCRમાં ફરી ધરા ધ્રૂજી: સોનીપતમાં ભૂકંપના આંચકા અનુભવાયા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code