
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટ, 52થી વધુના મોત
નવી દિલ્હીઃ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં થયેલા વિસ્ફોટમાં 52 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલા લોકોમાં પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. મસ્તુંગના આસિસ્ટન્ટ કમિશનર અતાહુલ મુનીમે જણાવ્યું હતું કે, બલૂચિસ્તાનના મસ્તુંગમાં અલ ફલાહ રોડ પર સ્થિત મદીના મસ્જિદ પાસે વિસ્ફોટ થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે લોકો ઈદ મિલાદ-ઉન-નબીના અવસર પર એક જુલુસમાં ભાગ લેવા માટે એકઠા થઈ રહ્યા હતા. સિટી સ્ટેશન હાઉસ ઓફિસર મોહમ્મદ જાવેદ લેહરીએ જણાવ્યું હતું કે, વિસ્ફોટમાં એક પોલીસ અધિકારીનું પણ મોત થયું છે. તેમણે જણાવ્યું કે હુમલો આત્મઘાતી હતો, ડીએસપી ગિસૌરીની કાર પાસે વિસ્ફોટ થયો હતો.
બલૂચિસ્તાનના વચગાળાના માહિતી મંત્રી જાન અચકઝાઈએ કહ્યું કે, એક બચાવ ટીમને મસ્તુંગ મોકલવામાં આવી છે. ગંભીર રીતે ઘાયલ લોકોને ક્વેટા લઈ જવામાં આવી રહ્યા છે અને તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. જાન અચકઝાઈએ કહ્યું, અમારા દુશ્મનો વિદેશી તાકતની મદદ સાથે બલૂચિસ્તાનમાં ધાર્મિક સહિષ્ણુતા અને શાંતિને નષ્ટ કરવા માંગે છે. વિસ્ફોટ અસહ્ય છે.
પાકિસ્તાનના વચગાળાના ગૃહ પ્રધાન સરફરાઝ અહેમદ બુગતીએ વિસ્ફોટમાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું અને વિસ્ફોટની નિંદા કરી હતી. બુગતીએ કહ્યું કે, આતંકવાદીઓનો કોઈ ધર્મ કે આસ્થા નથી અને બચાવ અભિયાન દરમિયાન તમામ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે ઘાયલોની સારવારમાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં અને આતંકવાદી તત્વો કોઈ છૂટને પાત્ર નથી.