- NCLTએ અનિલ અંબાણી વિરુદ્વ નાદારીની પ્રક્રિયા શરૂ કરવા આપી મંજૂરી
- અનિલ અંબાણીએ SBI પાસેથી રૂ.1200 કરોડની લોન લીધી હતી
- વર્ષ 2017માં આરકોમ અને RTILના લોન એકાઉન્ટ થયા હતા ડિફોલ્ટ
નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મુંબઇ બેન્ચે અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રુપ (ADAG) ના ચેરમેન અનિલ અંબાણી સામે વ્યક્તિગત નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે મંજૂરી આપી હતી. અનિલ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશન અને રિલાયન્સ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ માટે પર્સનલ ગેરેંટી ઉપર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી રૂ.1200 કરોડની લોન લીધી હતી.
પ્રાપ્ત અહેવાલ અનુસાર સ્ટેટ બેન્કે ADAG ગ્રુપને વર્ષ 2016માં ક્રેડિટ ગેરેંટીની સગવડતા આપી હતી. આ હેઠળ અનિલ અંબાણીએ SBI પાસેથી રૂ.565 કરોડ અને રૂ.635 કરોડની લોન લીધી હતી. સપ્ટેમ્બર 2016માં અનિલ અંબાણીએ આ લોન માટે પર્સનલ ગેરેંટી આપી હતી. જો કે ત્યારબાદ વર્ષ 2017માં આરકોમ અને RTILના લોન એકાઉન્ટ ડિફોલ્ટ થઇ ગયા હતા.
NCLTએ નોંધ્યું છે કે, આરકોમ અને રિલાયન્સ ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ જાન્યુઆરી 2017 સુધી રિપેમેન્ટ કરવામાં નિષ્ફળ ગઇ છે. આ બંને એકાઉન્ટ્સને પછીથી 26 ઑગસ્ટ 2016થી નોન પરફોર્મિંગ એસેટ્સ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2018માં એસબીઆઇએ અનિલ અંબાણીની પર્સનલ ગેરંટી રદ કરી હતી.
અનિલ અંબાણીની વધુ એક કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જીનિયરિંગ સામે NCLT અમદાવાદમાં કેસ ચાલી રહ્યો છે. ટ્રિબ્યુનલે તેની સામે બેન્ક્રપસીની કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. ફાઇનાન્સિયલ ક્રેડિટર્સ દ્વારા કંપની પર રૂ.43,587 કરોડનો દાવો મળ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 23 જુને અનિલ અંબાણીએ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આ નાણાકીય વર્ષણાં દેવામાંથી સંપૂર્ણ મુક્ત કરવામાં આવશે તેવો દાવો કર્યો હતો. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રૂ.6000 કરોડનું દેવું છે.
(સંકેત)


