
- રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ નો બ્રોકર ડોટ કોમનું સર્વે
- લોકડાઉન દરમિયાન માત્ર 50 ટકા લોકોએ જ ભાડૂં માફ કર્યું
- સર્વેમાં દિલ્હી-એનસીઆર, મુંબઇ, પુણે, બેંગ્લોર, ચેન્નઈ અને હૈદરાબાદમાં 17652 લોકોએ ભાગ લીધો હતો
નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીને રોકવા માટે પીએમ મોદી દ્વારા 25 માર્ચથી દેશવ્યાપી લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને લોકડાઉન મે સુધી રહ્યું હતું. લોકડાઉન દરમિયાન લોકોને આર્થિક સમસ્યાઓનો સામનો ના કરવો પડે તે માટે પીએમ મોદીએ મકાનમાલિકોને તેમના ભાડે આપેલા મકાન ભાડું માફ કરવા અપીલ કરી હતી. જેમાં લોકડાઉન દરમિયાન માત્ર 50 ટકા જ મકાનમાલિકોએ ભાડું માફ કર્યું હોવાની વિગતો બહાર આવી હતી.
રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ નો બ્રોકર ડોટ કોમના સર્વે અનુસાર, 50 ટકા મકાનમાલિકોએ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ભાડું માફ કર્યું અથવા ભાડાની થોડીક રકમ ઘટાડી છે.
અહેવાલમાં એવું પણ જાણવા મળ્યું છે કે મોટા ભાગના શહેરોમાં આ વર્ષે મકાનભાડામાં વધારો જોવા મળ્યો નથી.
સર્વે અનુસાર, 79 ટકા મકાનમાલિકો એકંદરે ભાડુઆત તરીકે પરિવારોને પસંદ કરે છે જ્યારે મિલકતને અંતિમ રૂપ આપતી વખતે 69 ટકા ભાડૂતો દ્વારા સલામતી એ સૌથી મહત્વપૂર્ણ પાસું છે. ભાડૂતો હાલ વર્ક ફ્રોમ હોમ લાઇફસ્ટાઇલને પગલે હાલ મોટા મકાનોની શોધ પણ કરી રહ્યા છે.
સ્થળાંતરના કારણે 35 ટકા લોકો મોટા ઘરની આવશ્યકતા પડી હોવાનું જણાવ્યુ છે. 32 ટકા લોકોએ એક કારણ તરીકે “કાર્યસ્થળમાં પરિવર્તન” ટાંક્યું. પાછલા વર્ષે આ ટકાવારી 44 ટકા હતી.
કોરોના મહામારીએ મોટા મકાનોની જરૂરિયાત, શહેરોમાં પ્રાથમિકતા મેળવવી, ભાડાની ચૂકવણી માટે ડિજીટલ પેમેન્ટ તરફ ફંટાવવું અને મોટી સંખ્યામાં લોકો દ્વારા તેમના ઘરની શોધ ઓનલાઇન શરૂ કરવા જેવા ઘણા ફેરફારો આવ્યા છે.
(સંકેત)