
ભારતમાં મોટા શહેરોમાં પહેલા લોંચ થશે 5 જી સેવા, કર્મશિયલ તબક્કે થશે લોંચ: દૂરસંચાર વિભાગ
- ભારતમાં આગામી વર્ષે લોંચ થઇ શકે છે 5G
- મહાનગરોને પહેલા મળશે 5જી નેટવર્કની ભેટ: દૂરસંચાર વિભાગ
- કમર્શિયલ તબક્કે લોંચ થશે 5G
નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં અત્યારે લોકો 5G સર્વિસ યૂઝ કરી રહ્યા છે ત્યારે ભારતમાં હજુ પણ 4G સર્વિસ ચાલી રહી છે અને હવે લોકો આતુરતાપૂર્વક 5G સેવા માટે પ્રતિક્ષા કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી ભારતમાં 5જીની ટ્રાયલ ચાલી રહી છે અને મે 2022 સુધી આ ટ્રાયલ પૂર્ણ થાય તેવી સંભાવના છે. જો કે તેના લોન્ચિંગને લઇને હજુ કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. જો કે દૂરસંચાર વિભાગ અનુસાર મોટા શહેરમાં 5જીને પહેલા લોંચ કરવાની યોજના છે.
ભારતમાં 5G લૉંચ કરવાની યોજના વિશે દૂરસંચાર વિભાગ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, ભારતમાં સૌ પ્રથમ અમદાવાદ, બેંગલુરુ, મુંબઇ, દિલ્હી, ગુરુગ્રામ જેવા મોટા શહેરોમાં 5જી લોંચ કરવામાં આવશે અને આ લોન્ચંગ ટ્રાયલ પર નથી, પરંતુ કર્મશિયલ તબક્કે હશે.
રિપોર્ટ પ્રમાણે, 5Gના નવા સ્પેક્ટ્રની હરાજી માર્ચ-એપ્રિલ 2022માં થશે અને તે બાદ 5G નેટવર્કને લોંચ કરવામાં આવશે, જો કે સ્પેક્ટ્રમની કિંમતને લઇને કોઇ નિવેદન સામે આવ્યું નથી. સ્પેક્ટ્રમની કિંમત જો વધારે હશે તો 5Gના પ્લાન પણ મોંઘા હશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય બજારમાં છેલ્લા બે વર્ષમાં લગભગ 100 કરતા વધારે 5જી સ્માર્ટફોન લોન્ચ થયા છે. આ સિવાય અન્ય 5જી ડિવાઈસ પણ બજારમાં છે. હવે બસ 5જીની લોન્ચિંગની રાહ જોવાઈ રહી છે.