1. Home
  2. ગુજરાતી
  3. અર્થતંત્રમાં રિકવરીના સંકેત, દેશમાં ઇંધણની માંગમાં ફેબ્રુઆરી બાદ પ્રથમવાર વૃદ્વિ
અર્થતંત્રમાં રિકવરીના સંકેત, દેશમાં ઇંધણની માંગમાં ફેબ્રુઆરી બાદ પ્રથમવાર વૃદ્વિ

અર્થતંત્રમાં રિકવરીના સંકેત, દેશમાં ઇંધણની માંગમાં ફેબ્રુઆરી બાદ પ્રથમવાર વૃદ્વિ

0
  • દેશના અર્થતંત્રમાં રિકવરીના સંકેત
  • ઇંધણની માંગમાં ઑક્ટોબર મહિનામાં વધારો થયો
  • પેટ્રોલિયમ પેદાશોની માંગ 2.5% વધીને 1777 કરોડ ટને પહોંચી

નવી દિલ્હી: દેશના અર્થતંત્રમાં રિકવરીના સંકેત આ બાબત પરથી મળી રહ્યા છે કે દેશમાં ઇંધણની માંગમાં ફેબ્રુઆરી બાદ ઑક્ટોબરમાં પ્રથમવાર વાર્ષિક તુલનાએ વધારો નોંધાયો છે. તહેવારોની પહેલા ડીઝલની માંગ વધવાથી વપરાશ કોરોના મહામારી પૂર્વેને સ્તરે પહોંચી ગયો છે. પેટ્રોલિયમ મંત્રાલયના હંગામી આંકડા મુજબ પેટ્રોલિયમ પેદાશોની કુલ માંગ ઑક્ટોબર મહિનામાં 2.5 ટકા વધીને 1777 કરોડ ટને પહોંચી ગઇ જે એક વર્ષ પૂર્વેના મહિનામાં 1734 કરોડ ટન હતી.

પ્રાપ્ત અહેવાલ અનુસાર ઑક્ટોબર મહિનામાં ડિઝલની માંગ 7.4 ટકા વધીને 65 લાખ ટન રહી છે જ્યારે પેટ્રોલનું વેચાણ 4.5 ટકા વધીને 25.4 કરોડ ટન હતું. ડીઝલના વપરાશમાં વૃદ્વિ એ 1 વર્ષમાં સૌથી વધારે રહી છે.

નેફ્થાની સાથે અન્ય ઔદ્યોગિક ઇંધણની માંગમાં વૃદ્ધિ આર્થિક ગતિવિધિઓની ગાડી ફરી પાટે આવવાના સંકેત છે. માર્ગ નિર્માણમાં ઉપયોગ થનાર તારકોલની વપરાશ સમીક્ષાધીન મહિનામાં 48 ટકા વધીને 6,62,000 ટન રહી છે. રાંધણ ગેસ (એલપીજી)ની વપરાશ 3 ટકા વધીને 24 લાખ ટન રહી. પરંતુ વિમાન ઇંધણ (એટીએફ)નું વેચાણ લગભગ અડધુ એટલે કે 3,35,000 ટન રહ્યુ છે. જેનું કારણ એ છે કે, હાલ દેશમાં વિમાન ઉડાનની કામગીરી સંપૂર્ણપણે શરૂ થઇ શકી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે માર્ચ મહિનામાં દેશવ્યાપી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. દેશવ્યાપી લોકડાઉનના કારણે મોટા ભાગની ઔદ્યોગિક ગતિવિધિઓ ઠપ્પ થતા રોડ રસ્તાઓ પરથી વાહનો ગાયબ થઇ ગયા હતા અને વાહનોનો વપરાશ અચાનક ઘટી જતા ઇંધણની માંગમાં પણ ઘટાડો થયો હતો. જો કે હવે, દેશમાં તહેવારોને કારણે વપરાશ વધ્યો છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT