
- ચાલુ નાણાકીય વર્, 2021 દરમિયાન ભારતીય IT ઇન્ડસ્ટ્રીઝની આવક માત્ર 2.3 ટકા વધી
- આઇટી ઇન્ડસ્ટ્રીઝની કુલ નિકાસ 1.9 ટકા વધીને 150 અબજ ડોલર સુધી રહેવાની નાસ્કોમની ધારણા
- કોરોના સંકટકાળમાં આઇટી ઉદ્યોગે 1.38 લાખ નવી રોજગારી આપી
નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે દેશના આઇટી ઉદ્યોગ પર પણ વિપરીત અસર પડી છે. ચાલુ નાણાકીય વર્ષ 2021 દરમિયાન ભારતના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીઝની આવક માત્ર 2.3 ટકા વધીને 194 અબજ ડોલર રહેવાનો અંદાજ નાસ્કોમે મૂક્યો છે. નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝએ આઇટી ઉદ્યોગનું સંગઠન છે. ચાલુ વર્ષે આઇટી ઇન્ડસ્ટ્રીઝની કુલ નિકાસ 1.9 ટકા વધીને 150 અબજ ડોલર સુધી રહેવાની નાસ્કોમની ધારણા છે.
નાસ્કોમ અનુસાર કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત ચાલુ નાણાકીય વર્ષમાં આઇટી ઇન્ડસ્ટ્રીઝ ચોખ્ખી દ્રષ્ટિએ નોકરી આપનાર વર્ષ સાબિત થયું છે. કોરોના સંકટકાળમાં આઇટી ઉદ્યોગે 1.38 લાખ નવી રોજગારી સાથે રોજગારી મેળવનાર લોકોની સંખ્યા વધીને 44.7 લાખ એ પહોંચી ગઇ છે.
નાસ્કોમના પ્રમુખ દેવયાની ઘોષે જણાવ્યુ કે, અમે આ સંકટમાં વધારે સ્થિતિસ્થાપક અને વધારે પ્રાસંગિક બનીને ઉભરી આવ્યા છીએ. અમે કોરોના વિરુદ્ધની લડાઇની આગેવાની કરનાર છીએ. તેમણે ઉમેર્યુ કે આ ઇન્ડસ્ટ્રીઝ કોરોના મહામારીથી પ્રેરિત સંકટમાંથી બહાર આવનાર પહેલુ ક્ષેત્ર છે. કોરોના વાયરસને કારણે દુનિયાભરના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સમાં 3.5 ટકાના ઘટાડા વચ્ચે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાછલનો ખર્ચ વર્ષ 2020 દરમિયાન 3.2 ટકા ઘટવા છતાં આઇટી સેક્ટરે પોતાને ટકાવી રાખ્યો છે.
નાસ્કોમ એ જણાવ્યુ કે, જો લિસ્ટેડ કંપનીઓ દ્વારા રજૂ કરાયેલા આંકડાઓની દ્રષ્ટિએ જોયે તો 15 અબજ ડોલરથી વધારે સોદા તેમને મળ્યા છે. ભવિષ્યના પરિદ્રશ્યને લઇને 100માંથી 71 ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનું માનવુ છે કે, વર્ષ 2021માં ઇન્ફોર્મેશન ટેકનોલોજી પાછળ સારા પ્રમાણમાં ખર્ચ થવાની આશા છે.
(સંકેત)