
કોરોના મહામારીને કારણે વર્ક ફ્રોમ હોમ કલ્ચર વધતા ઓફિસ લીઝિંગ કારોબાર પર સંકટના વાદળો છવાયા
- હાલમાં કોરોના મહામારીથી મોટા ભાગની કંપનીઓ વર્ક ફ્રોમ હોમ અપનાવી રહી છે
- વર્ક ફ્રોમ હોમના કલ્ચરને કારણે ઓફિસ લીઝિંગ કારોબાર જોખમાયો
- દેશના 6 મોટા મહાનગરોમાં 7400 લીઝ રિન્યૂઅલ માટે પાકી રહ્યા છે
નવી દિલ્હી: હાલમાં કોરોના મહામારીને કારણે મોટા ભાગની કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વ્યાપકપણે જોવા મળી રહ્યું છે. આ જ કારણોસર ઓફિસ લીઝ પર લેવાનો ટ્રેન્ડ પણ સતત ઘટ્યો છે. પ્રોપર્ટી ડેવલપર્સ માટે ઓફિસ સ્પેસની લીઝિંગ કામગીરી પડકારજનક બની શકે છે. દેશના 6 મોટા મહાનગરોમાં વર્તમાન વર્ષમાં અંદાજે 9 કરોડ ચોરસ ફૂટ વિસ્તાર સાથેના 7400 લીઝ રિન્યૂઅલ માટે પાકી રહ્યા છે.
પ્રાપ્ત અહેવાલ પ્રમાણે, વર્ષ 2022માં 7.80 કરોડ ચોરસ ફૂટ વિસ્તાર સાથેના અંદાજે 7000 લીઝ કરાર તથા વર્ષ 2023માં 5.50 કરોડ ચોરસ ફૂટ સાથેના 4200 લીઝ કરાર પૂર્ણ થઇ રહ્યાં છે.
કોરોનાનો કહેર ઓછો થયા બાદ મોટાભાગની કંપનીઓ ફરીથી ઓફિસમાં કામ કરવાનું શરૂ કરવા ઉપરાંત કર્મચારીઓની ભરતી પણ વધારવાની યોજના ધરાવે છે. તેને કારણે વર્ષ 2021ની તુલનાએ વર્ષ 2022માં ઓફિસ સ્પેસના લીઝિંગ મજબૂત રહેવાની શક્યતા રહેલી છે.
વર્ષ 2021માં સમાપ્ત થઇ રહેલા અંદાજે 7400 લીઝ કરારમાંથી 44 ટકા એકલા મુંબઇમાં છે. 17 ટકા સાથે પૂણે બીજા ક્રમાંકે છે.
હાલમાં વર્ક ફ્રોમ હોમ કલ્ચરને કારણે લીઝ પર ઓફિસ સ્પેસની માગ પર અસર પડી છે. દેશની અનેક કંપનીઓ લીઝ રિન્યૂ કરવાનું ટાળી રહી છે અથવા તો તે નવી શરતે કરવા માગે છે.
ઓફિસની માગ નીચે રહેતા ભાડામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જે કંપનીઓ પોતાના રજિસ્ટર્ડ સરનામામાં હાલમાં બદલાવ કરવા માગતી નહીં હોવાથી લીઝ પર લેવાનું ચાલુ રાખે છે.
(સંકેત)