1. Home
  2. ગુજરાતી
  3. કાર નિર્માતાઓને દિવાળી ફળી, પેસેન્જર વ્હિકલનું વેચાણ 4.17% વધ્યું, જો કે ટુ-વ્હિલરનું વેચાણ 21.4% ઘટ્યું

કાર નિર્માતાઓને દિવાળી ફળી, પેસેન્જર વ્હિકલનું વેચાણ 4.17% વધ્યું, જો કે ટુ-વ્હિલરનું વેચાણ 21.4% ઘટ્યું

0
Social Share
  • દિવાળીની સીઝન કાર નિર્માતા માટે લાભદાયી સાબિત થઇ
  • કાર-વાન સહિતના પેસેન્જર વ્હિકલના વેચાણમાં 4.2 ટકાની વૃદ્વિ
  • જો કે ટુ-વ્હિલરનું વેચાણ નવેમ્બરમાં વાર્ષિક તુલનાએ 21.40 ટકા ઘટ્યું

નવી દિલ્હી: દિવાળીની સીઝન કાર કંપનીઓ માટે લાભદાયી સાબિત થતા નવેમ્બર માસમાં કારના વેચાણમાં વૃદ્વિ જોવા મળી છે. જો કે ટુ-વ્હીલરના વેચાણમાં ઘટાડો થતા ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ હજુ પણ દબાણ હેઠળ હોવાના સંકેત મળી રહ્યા છે. ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોસિએશન (FADA)ના આંકડા અનુસાર નવેમ્બર મહિનામાં કાર-વાન સહિતના પેસેન્જર વ્હિકલ્સનું વેચાણ વાર્ષિક તુલનાએ 4.2 ટકા વધીને 2,91,001 યુનિટ્સ નોંધાયું છે. કૃષિ ક્ષેત્રે પણ સારી માંગ રહેતા ટ્રેકટરની માંગ વાર્ષિક તુલનાએ 8.47 ટકા વધીને 49,313 યુનિટ્સ નોંધાયું છે.

આમ આંકડા પરથી એ સ્પષ્ટ થાય છે કે નવેમ્બર મહિનાનું સાર્વત્રિક વેચાણ અનલોક પછીનું સૌથી શ્રેષ્ઠ માસિક વેચાણ છે. તો માસિક તુલનાએ વેચાણમાં 29.32 ટકાની વૃદ્વિ નોંધાઇ છે. આપને જણાવી દઇએ કે FADAના આંકડા એ દેશભરની RTOમાં વાહનોની નોંધણીના આંકડાઓ ઉપર આધારિત હોય છે.

FADA અનુસાર નવેમ્બર મહિનામાં તમામ શ્રેણીના વાહનોનું વેચાણ વાર્ષિક તુલનાએ 19.29 ટકા ઘટીને 18,27,990 નંગ નોંધાયું છે, જ્યારે નવેમ્બર 2019માં 22,64,947 નંગ વાહનોનું RTOમાં રજીસ્ટ્રેશન થયું હતું.

નોંધનીય છે કે નવેમ્બર મહિનામાં કારનું વેચાણ એકંદરે સારું રહ્યું છે જો કે ટુ-વ્હીલરના વેચાણમાં મંદીનો માહોલ યથાવત્ રહ્યો છે જે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ટુ-વ્હીલરની માંગ ઓછી હોવાના સંકેત આપે છે. ટુ-વ્હિલરનું વેચાણ નવેમ્બરમાં વાર્ષિક તુલનાએ 21.40 ટકા ઘટીને 14.13 લાખ નંગ અને થ્રી-વ્હીલરનું વેચાણ 65 ટકા ઘટીને 23,185 યુનિટ્સ નોંધાયું છે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code