
- Paytm IPO ગાજ્યો એટલો વરસ્યો નહીં
- 9 ટકાના ડિસ્કાઉન્ટ ભાવે થયો લિસ્ટ
- રોકાણકારોને પ્રતિ શેર 195 રૂપિયાનું નુકસાન થયું
નવી દિલ્હી: ગાજે એટલું વરસે નહીં એ કહેવત આજે સાર્થક થઇ છે. હકીકતમાં, જેની રોકાણકારો લાંબા સમયથી પ્રતિક્ષા કરી રહ્યા હતા તેવા Paytmના આઇપીઓએ રોકાણકારોને આંચકો આપ્યો હતો. કંપનીનો શેર ડિસ્કાઉન્ટ સાથે શેરબજારમાં લિસ્ટ થયો હતો. તે BSE પર રૂ.1955 એટલે કે 9.07 ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો હતો. તેની ઇશ્યૂ કિંમત 2150 રૂપિયા હતી. એટલે કે, રોકાણકારોને એક શેર પર પ્રતિ શેર 195 રૂપિયાનું નુકસાન થયું હતું.
પેટીએમના રૂ.18,300 કરોડના IPOને અપેક્ષિત પ્રતિસાદ મળ્યો ન હતો અને ગ્રે માર્કેટમાં પણ તેનું પ્રીમિયમ પહેલા જ સતત ઘટી રહ્યું હતું.
આ વર્ષે માર્કેટમાં અનેક આઇપીઓની હારમાળા સર્જાઇ હતી. Paytm IPO આ વર્ષે લિસ્ટ થનારી 49મી કંપની છે. તેને કુલ 1.89 ગણી બિડ મળી હતી. તે 8 નવેમ્બરના રોજ ખુલ્યો હતો અને 10 નવેમ્બરના રોજ બંધ થયો હતો. તેને QIB શ્રેણીમાં 2.79 ગણી અને રિટેલ રોકાણકારોની શ્રેણીમાં 1.66 ગણી બિડ મળી હતી.
કંપનીનું ગ્રે માર્કેટ પ્રીમિયમ તાજેતરમાં લિસ્ટેડ મોટાભાગના IPO શેરોમાં સૌથી ઓછું હતું. નિષ્ણાતો માની રહ્યા હતા કે Paytmનો સ્ટોક 5 થી 10 ટકાના ડિસ્કાઉન્ટ પર લિસ્ટ થઈ શકે છે. લિસ્ટિંગ પહેલાં, Paytmનો સ્ટોક ગ્રે માર્કેટમાં રૂ. 2,150ની ઇશ્યૂ કિંમતથી રૂ. 30 અથવા 1.4 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો.
ગ્રે માર્કેટમાં તેની કિંમતમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. 7 નવેમ્બરના રોજ ગ્રે માર્કેટમાં શેર રૂ. 2,300 પ્રતિ શેરના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ તેની ઇશ્યૂ કિંમત કરતાં 150 રૂપિયા અથવા 7 ટકા વધુ છે. IPOના પહેલા દિવસે એટલે કે 8 નવેમ્બરે તે ઘટીને 80 રૂપિયા પર આવી ગયો હતો, જ્યારે ઇશ્યૂના છેલ્લા દિવસે એટલે કે 10 નવેમ્બરે આ પ્રીમિયમ ઘટીને 40 રૂપિયા થઈ ગયું હતું.