![દિવાળી પહેલા ફરીથી વધી શકે મોંઘવારી, ઘરેલુ ગેસ સિલિન્ડર થશે મોંઘા](https://www.revoi.in/wp-content/uploads/2021/08/945064-lpg-gas-cylinder.jpg)
- સામાન્ય પ્રજાની દિવાળી બગડશે
- ઘરેલુ ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો ઝીંકાશે
- ફરીથી વધશે ભાવ
નવી દિલ્હી: આ વખતે સામાન્ય લોકોની દિવાળી બગડે તેવા એક સમાચાર મળી રહ્યા છે. આગામી સપ્તાહ દરમિયાન ઘેરલુ ગેસ સિલિન્ડરના ભાવ વધે તેવી સંભાવના છે. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ વધવાની સંભાવના વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ 35-35 પૈસા લીટરે વધારો ઝીંકાયો છે.
એલપીજી સંદર્ભે ખર્ચથી ઓછા મૂલ્ય પર વેચાણથી થતું નુકસાન 100 રૂપિયા પ્રતિ સિલિન્ડરની આસપાસ જોવા મળી રહ્યું છે. આ જ કારણોસર ભાવ વધારો થવાની શક્યતા છે. આપને જણાવી દઇએ કે અગાઉ 6 ઑક્ટોબરના રોજ ગેસ સિલિન્ડરના ભાવ 15 રૂપિયા વધ્યા હતા. જુલાઇ મહિનાથી 14.2 કિલોગ્રામ વાળા રસોઇ ગેસ સિલિન્ડરના ભાવ 90 રૂપિયા વધી ગયા છે.
સૂત્રોનું માનીએ તો, જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓને છૂટક ભાવ, ખર્ચને અનુરૂપ કરવાની પરવાનગી આપવામાં આવી નથી. તે ઉપરાંત આ અંતરથી બહાર આવવા માટે અત્યારસુધી સરકાર તરફથી પણ કોઇ સબસિડી નથી આપવામાં આવી રહી.
આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઑઇલ 85.42 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચ્યો છે. એલપીજી અત્યારે નિયંત્રિત કરાયેલી કોમોડિટી છે. એવામાં ટેકનિકલ રીતે સરકાર તેના છૂટક ભાવ નક્કી કરી શકે છે.