
ઝાલાવાડ અને રાજકોટ રૂરલમાં ખનીજ માફિયાઓ સામે ઝૂંબેશઃ 1.45 કરોડનો માલ જપ્ત કરાયો
રાજકોટઃ સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં ચાલતા ગેરકાયદે ખનન કૌભાંડની કમર તોડી નાખવા રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચની ટીમે એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ ખનન માફીયાઓ પર દરોડા પાડી રૂા. 1.45 કરોડની કિંમતના વાહનો-રેતી ઝડપી પાડયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના રેન્જ આઇ.જી. સંદિપસિંહે ખાણ-ખનીજને લગતી ગેરકાયદે પ્રવૃતિ અને ખનીજનું ગેરકાયદે ચાલતુ વહન અટકાવવા દરોડાની કાર્યવાહી કરવા સુચના આપી હતી, જેથી એસ.પી. બલરામ મીણા અને રાજકોટ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના મદદનીશ નિયામક જે.એસ.વાઢેરના માર્ગદર્શન હેઠળ ખાણ-ખનીજ વિભાગ અને પોલીસે સંયુકત કાર્યવાહી કરી હતી. જે મુજબ ત્રણ ટીમો બનાવાઇ હતી અને વિંછીયા ખાતે, શાપર વેરાવળ ખાતે અને ચોટીલાના નાની મોલડી પોલીસ મથક વિસ્તારના આપા ગીગાના ઓટલા પાસે હાઇવે પર વોચ ગોઠવી હતી જે દરમિયાન ત્યાંથી ગેરકાયદે રીતે રેતી ભરી નીકળેલા 12 ડમ્પર ચાલકો પાસે રોયલ્ટીના કોઇ આધાર પુરાવા ન હોવાથી રૂા. 1.20 કરોડની કિંમતના આ બારેય ડમ્પર કબ્જે કરાયા હતા.
આ ડમ્પરોમાં આશરે 25 લાખની કિંમતની રેતી ભરેલી હતી જે પણ ખાણ-ખનીજ વિભાગે કબ્જે લઇ રેતી કયાંથી ખનન કરાઇ અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તેની તપાસ હાથ ધરી છે. આ મામલામાં નામ ખુલતા ખનન માફીયાઓને દંડ ફટકારવામાં આવે તેવી શકયતા છે. આ કામગીરી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ અજયસિંહ ગોહિલ, રોયલ્ટી ઇન્સ્પેકટર કે.એમ.સોલંકી, એસ.એસ.બારૈયા, રૂરલ એસઓજી પીએસઆઇ એચ.એમ.રાણા, પેરોલ ફર્લો સ્કવોડ પીએસઆઇ બી.એમ.કોળાદરા, ટ્રાફિક પીએસઆઇ ડી.એલ.ખાચર વગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.