અમદાવાદઃ બનાસકાંઠાના વાવ તાલુકાના માલસણ નજીકથી પસાર થતી બ્રાન્ચ કેનાલ ઓવરફ્લો થતા આસપાસના ખેતરો પાણીથી તરબોળ થયા છે. ખેતરોમાં ઉભેલા એરંડા, જીરું સહિતના પાકને નુકશાન પહોચ્યું છે. આ ઉપરાંત સુરંન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હીરાપર ગામની સીમમાં પણ કેનાલ ઓવરફ્લો થતાં ઊભા પાક પર પાણી ફરી વળ્યા હતા. કેનોલોની પુરતી સાફ સફાઈ કરવામાં આવતી ન હોવાથી કેનોલો ઓવરફ્લો બની રહી છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોના મહામૂલા પાકમાં નુકસાનની ભીતિ સેવાતી હોય છે ત્યારે બીજી તરફ હવે બ્રાન્ચ કેનાલો ઓવરફ્લો જોવા મળી રહી છે જેમાં વાવના માલસણ બ્રાન્ચ કેનાલમાં ઓવરફ્લો થતા કેનાલ નજીકમાં આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. જેને કારણે ખેડૂતોમાં વાવણી કરેલા પાકોમાં નુકસાનની ભીતિને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જીરું- રાયડો સહિતના પાકોમાં નુકસાન થયાનું ખેડુતો કહી રહ્યા છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો લાવી વાવણી કરેલા પાકોમાં પાણી ફરી વળવાના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું. ખેડૂતોની માંગ છે કે વારંવાર ઓવરફ્લો થતી કેનાલોનો સત્વરે કાયમી નિકાલ કરવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હીરાપુર ગામની સીમમાં મેથાણ હીરાપુરની નર્મદા કેનાલમાંથી માઇનોર કેનાલમાં પાણી છોડાતા કેનાલ ઓવરફલો થતા વિસ્તારની આસપાસના અંદાજે 20 જેટલા ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળ્યા હતા. ખેતરમાં વાવેલા જીરું, એરંડા અને વરીયાળી સહિતના પાકમા પાણી ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયું હતું. ખેડુતોના કહેવા મુજબ હીરાપુરની નર્મદા કેનાલમાંથી માઇનોર કેનાલમાં પાણી છોડાતા તંત્રની બેદરકારીને કારણે છલકાઈ જવાનો બનાવ બન્યો હતો. હીરાપુર અને રાજગઢના સીમ વિસ્તારની આસપાસના અંદાજે 20 જેટલા ખેતરોમાં નર્મદાના પાણી ફરી વળ્યા હતા.