
મંકીપોક્સના વધતા કેસોને લઈને કેન્દ્ર સતર્ક – વેક્સિન અને કીટ માટે ટેન્ડર જારી કર્યું
- સરકાર મંકીપોક્સને લઈને સતર્ક બની
- વેક્સિન અવે કીટ માટે ટેન્ડર જારી કર્યું
દિલ્હીઃ- દેશમાં એક તરફ કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે તો બીજી તરફ મંકીપોક્સના કેસો વધ્યા છે જેને લઈને હવે સરકાર પણ ચિંતીત બની છે, કેન્દ્ર સતર્ક બન્યું છે વધતા કેસ વચ્ચે સરકાર એક્શન મોડમાં આવી છે.
સરકારે મંકીપોક્સની રસી વિકસાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ ઉપરાંત મંકીપોક્સના ટેસ્ટિંગ કીટ માટે પણ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. રસી અને પરીક્ષણ કીટ ખાનગી-જાહેર ભાગીદારી મોડ દ્વારા બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધીમાં મંકીપોક્સના ચાર પુષ્ટિ થયેલા કેસ મળી આવ્યા છે. જેમાંથી ત્રણ કેરળમાં અને એક દિલ્હીમાં છે. જો કે શંકાસ્પદ દર્દીઓની સંખ્યા તો દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે.
રસી અને પરીક્ષણ કીટ ખાનગી-જાહેર ભાગીદારી મોડ દ્વારા બનાવવામાં આવશે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ કંપનીઓ 10 ઓગસ્ટ સુધી EOI સબમિટ કરી શકે છે.
આ બાબતે ICMRએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, જો કે મંકીપોક્સ માટે એક રસી અને એક વિશિષ્ટ સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે, પરંતુ આ સામગ્રીની ઉપલબ્ધતા હજુ પણ ઘણી ઓછી છે. 2019માં પણ મંકીપોક્સના નિવારણ માટે રસી મંજૂર કરવામાં આવી હતી. તે બે ડોઝની રસી છે પરંતુ ભાગ્યે જ ઉપલબ્ધ છે.
ઉલ્લેખનીય છે કે WHOએ તેને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે, ત્યારબાદ દેશના ઘણા રાજ્યોએ એલર્ટ જાહેર કર્યું છે. ઝારખંડના આરોગ્ય વિભાગે સૂચના આપી છે કે હોસ્પિટલોમાં આઈસોલેશન વોર્ડ બનાવવા જોઈએ તેજ રીતે ઉત્તર પ્રદેશમાં પણ સીએમ યોગીએ 10 બેડ રિઝર્વ રાખવા જણાવ્યું છે.