
સ્વતંત્ર દિવસ પહેલા કેન્દ્ર સરકારની મહત્વની પહેલ, પ્લાસ્ટીકના રાષ્ટ્રધ્વજ પર પ્રતિબંધ
- પ્લાસ્ટીકને લઈને કેન્દ્ર સરકારનું મહત્વનું પગલું
- સ્વતંત્ર દિવસ પહેલા જ પ્લાસ્ટીકના રાષ્ટ્રધ્વજ પર પ્રતિબંધ
- કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્યોને મોકલ્યો પત્ર
પ્લાસ્ટીકનો વપરાશ રોકવા માટે સરકાર દ્વારા મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. સ્વતંત્રતા દિવસ પહેલા કેન્દ્રએ પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. કેન્દ્રએ રાજ્યોને સુનિશ્ચિત કરવા કહ્યું છે કે લોકો પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ ન કરે કારણ કે આવી સામગ્રીથી બનેલા તિરંગાનો યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરવાની એક વ્યવહારિક સમસ્યા છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવેલા પત્રમાં જણાવ્યું છે કે રાષ્ટ્રધ્વજ દેશના લોકોની આશાઓ, આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી તેનું હંમેશા સન્માન થવું જોઈએ. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “રાષ્ટ્રધ્વજ માટે દરેકના મનમાં સ્નેહ, આદર અને વફાદારી છે. છતાં રાષ્ટ્રધ્વજના પ્રદર્શનને લાગુ પડતા કાયદાઓ અને સંમેલનો અંગે લોકો તેમજ સરકારની સંસ્થાઓ, એજન્સીઓમાં જાગૃતિનો સ્પષ્ટ અભાવ છે.
ગૃહ મંત્રાલયે કહ્યું , તેથી તે સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવે છે કે ‘રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમતગમતના કાર્યક્રમો પ્રસંગે રાષ્ટ્રીય ધ્વજ સંહિતા, 2002’ ની જોગવાઈઓ અનુસાર લોકો દ્વારા માત્ર કાગળથી બનેલા ધ્વજનો જ ઉપયોગ કરવામાં આવે અને કાર્યક્રમ પછી તેને જમીન પર ના ફેંકવો જોઈએ.
ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવ્યું હતું કે એવું જોવામાં આવ્યું છે કે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને રમતગમતના પ્રસંગોએ કાગળથી બનેલા રાષ્ટ્રીય ધ્વજની જગ્યાએ પ્લાસ્ટિકના બનેલા રાષ્ટ્રીય ધ્વજનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે પ્લાસ્ટિકના ધ્વજ કાગળના ધ્વજની જેમ બાયોડિગ્રેડેબલ નથી અને ધ્વજની ગરિમાને અનુરૂપ પ્લાસ્ટિકના બનેલા રાષ્ટ્રીય ધ્વજનો યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરે છે, તે પણ એક વ્યવહારિક સમસ્યા છે.