
સુરતઃ શહેરના સુવાલી દરિયા કિનારેથી મોટા જથ્થા સાથે અફઘાની ચરસનો બિન વારસી જથ્થો મળી આવ્યો છે. સુરત SOG અને PCB પોલીસને 9 કિલોથી વધુનો અંદાજે 5 કરોડની કિંમતનો ચરસનો જથ્થો મળી આવ્યો છે. અફઘાની ચરસ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ કિંમતી ગણાતું આ ચરસ છે, જેની કિંમત 1 કિલોના 50 લાખ રૂપિયા આંકવામાં આવે છે. સુવાલીને દરિયાકિનારાથી આટલા પ્રમાણમાં બિન વારસી ચરસ મળી આવતા પોલીસે નાસી ગયેલા શખસોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. આ અંગે પોલીસે ATS અને અન્ય એજન્સીને જાણ કરતાં ઊંડાણપૂર્વકની તપાસ કરાશે હાલ આ ચરસ પાકિસ્તાનથી મોકલાયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુરત નજીક સુવાલીના દરિયા કિનારેથી ખૂબ જ મોટા પ્રમાણમાં ચરસનો મોટો જથ્થો બિનવારસી મળી આવ્યો હતો. સુરત SOG અને PCB પોલીસે સાથે મળી દરિયા કિનારા પાસેથી ચરસનો મોટો જથ્થો કબ્જે કર્યો છે. સુરત SOG પોલીસને બાતમી મળી હતી કે, હજીરા નજીક સુવાલી દરિયા કિનારે અમુક શંકાસ્પદ વસ્તુઓ છે, જેથી, તુરંત જ SOG પી.આઇ. અશોક ચૌધરી અને PCB પીઆઈ રાજેશ સુવેરા સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દરમિયાન તપાસ કરાતા સુવાલી બીચ પાસે જાડી-જાખડામાં અવાવરુ જગ્યાએથી ચરસ ભરેલો થેલો મળી આવ્યો હતો. જેમાં તપાસ કરતા 9 કિલોગ્રામ ચરસનો જથ્થો બિનવારસી મળ્યો હતો, જેની બજાર કિંમત 4.50 કરોડ હોવાનો અંદાજ લગાવી રહ્યો છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ સુવાલીના દરિયા કિનારે બિનવારસી હાલતમાં મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો દરિયાકિનારે હોવાની જાણ થતા જ SOG અને PCBની સાથે ડીસીબીનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોટલાની તપાસ કરતા તેમાંથી એક કિલોથી વધુ વજનના નવ જેટલા ચરસના પ્લાસ્ટિકના એર ટાઈટ રેપરથી પેક કરેલા પેકિંગ મળી આવ્યા હતા. પોલીસે આ પેકેટની તપાસ કરતાં તેની ઉપર અરબી ભાષામાં અફઘાનિસ્તાનના દેશનો ઉલ્લેખ કર્યો હતો અને ચરસના પેકેટ પર અફઘાન પ્રોડક્ટ લખેલુ લખાણ મળી આવ્યું હતું. પોલીસના ડરથી ચરસનો જથ્થો બિનવારસી છોડી દેવામા આવ્યો હોવાનું અનુમાન છે. નવ કિલોથી વધુનું ચરસ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ કિંમતી ગણાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ ચરસની ખૂબ જ ઊંચી કિંમત ચૂકવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય કિંમત પ્રમાણે આ ચરસના એક કિલોના 50 લાખ રૂપિયા ગણવામાં આવે છે. જેને લઇ નવ કિલોથી વધુના આ ચરસમાં અંદાજે પાંચ કરોડનું કિંમત આંકવામાં આવી રહી છે.
આ કેસમાં સુરત પોલીસે ATSને પણ જાણ કરી હતી. ચરસનો આટલો મોટો જથ્થો કઈ રીતે સુવાલીના દરિયા કિનારે પહોંચ્યો તેની ઊંડાણપૂર્વક તપાસ ATS તેમજ અન્ય એજન્સીઓ સાથે સંકલન કરીને સુરત પોલીસ કરી રહી છે. મળી આવેલા ચરસના જથ્થાને FSL દ્વારા તપાસ કરવામાં આવી, જેમાં પ્રાથમિક તપાસમાં આ જથ્થો હાઈ ક્વોલિટી અફઘાની ચરસ હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે અને જેની આંતરરાષ્ટ્રીય કિંમત એક કિલોએ 50 લાખ હોવાનું કહેવાય છે. અફઘાનિસ્તાનમાં દરિયો નથી. જેથી, આ ચરસ પાકિસ્તાનના દરિયાઈ માર્ગેથી ભારતમાં ડ્રગ્સ માફિયાઓ દ્વારા ઘૂસાડવાની કોશિશ કરાઈ હોય તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. દરમિયાન દરિયામાં વધતા તપાસના દબાણને લઈને ડ્રગ્સ માફિયાઓએ જહાજ કે નાની બોટમાંથી ચરસનો થેલો દરિયામાં ફેંકી દીધા હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તે થેલો ભરતીના પાણીમાં તણાઈને દરિયાકિનારે આવ્યો હોવાની પણ શંકા વ્યક્ત કરાઈ રહી છે.