મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ગાંધીનગર-અમદાવાદમાં કાર્યકરો, ચાહકો સાથે પતંગોત્સવ ઉજવ્યો
મુખ્યમંત્રીએ ‘ગાંધીનગર પતંગ મહોત્સવ – ૨૦૨૬’નો પ્રારંભ કરાવ્યો
ગાંધીનગર-અમદાવાદ, 14 જાન્યુઆરી, 2026 – Chief Minister Bhupendrabhai celebrated Kite Festival મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ગુજરાત ઉપરાંત દુનિયામાં વસતા ગુજરાતીઓ ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર અને અમદાવાદમાં પક્ષના કાર્યકરો તેમજ ચાહકો સાથે આ પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ આ સાથે ગાંધીનગર પતંગ મહોત્સવ-2026નો પ્રારંભ પણ કરાવ્યો હતો.
ઉમંગ અને ઉલ્લાસના ઉતરાયણ પર્વ અવસરે ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત પતંગ મહોત્સવ-૨૦૨૬નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નગરજનો સાથે પતંગ ઉડ્ડયનના આનંદમાં સહભાગી થયા હતા અને ઉતરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે મુક્ત આકાશમાં પતંગ ઉડાવીને નગરજનોને મમરાનાં લાડુ અને ચિક્કીનું વિતરણ કર્યું હતું.
શું કહ્યું મુખ્યમંત્રીએ?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરિકોને ઉતરાયણની શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે, પતંગ ઉડ્ડયનના પર્વમાં લોકો પોતાના પતંગને જેમ આકાશમાં ઉડાડે છે, તેમ જ સૌ નાગરિકોના જીવનમાં આ પર્વ ઉન્નતિની સાથે સુખ, શાંતિ અને સમૃદ્ધિ ની પણ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરાવનારું ઉમંગ પર્વ બને.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટા બહેન પટેલ, ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ, ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ આશિષ દવે, જિલ્લા કલેકટર મેહુલ દવે, વિદેશી પતંગબાજો સહિત નગરજનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
ગાંધીનગર બાદ મુખ્યમંત્રી અમદાવાદ પહોંચ્યા હતા અને પક્ષના કાર્યકરો તેમજ અન્ય નાગરિકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. મુખ્યમંત્રીએ ભૂલકાંઓ સાથે પણ દાદાની જેમ હેત વરસાવ્યું હતું.

મુખ્યમંત્રીએ વાડીગામના રહીશો સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી અમદાવાદના ઐતિહાસિક દરિયાપુર વિસ્તારના વાડીગામ ખાતે સ્થાનિક રહીશો સાથે કરી હતી.
મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યના તમામ નાગરિકોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવતા સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી.
જેમ પતંગ આકાશની ઊંચાઈઓને આંબે છે, તેમ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તેવી ભાવના સાથે મુખ્યમંત્રીએ વાડીગામની મૂળજી પારેખની પોળમાં પતંગ ચગાવીને પર્વનો આનંદ માણ્યો હતો. મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈ સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પોળના રહીશોએ પોતપોતાના ધાબા પરથી હર્ષનાદ અને અભિવાદન સાથે મુખ્યમંત્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ અભિવાદન ઝીલીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.
આ ઉજવણીમાં મુખ્યમંત્રીની સાથે અમદાવાદના સાંસદ દિનેશભાઈ મકવાણા, દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, સ્થાનિક કાઉન્સિલરઓ તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી સાથે પતંગબાજીનો આનંદ માણવાની તક મળતાં ઉપસ્થિત લોકો અને પતંગરસિયાઓ માટે મકરસંક્રાંતિનો ઉત્સવ યાદગાર બની રહ્યો હતો.


