બેઇજિંગ, 22 ઓગસ્ટ 2026: ચીને આ વર્ષે વિદેશી પર્વતારોહકો માટે તિબેટના સૌથી ઊંચા શિખરો તરફના માર્ગો સંપૂર્ણપણે બંધ કરી દીધા છે. ચીન દ્વારા લાદવામાં આવેલા આ પ્રતિબંધને કારણે વિશ્વભરના પર્વતારોહકોના અભિયાનો અને બુકિંગ રદ કરવા પડ્યા છે.
તિબેટના શિગાત્સે નજીક 52 સેકન્ડ સુધી ચાલેલી ફટાકડાની ઘટના અને વિદેશી પર્વતારોહણ અભિયાનો માટે પરમિટ જારી કરવા બાબતના ભ્રષ્ટાચારની તપાસ બાદ ચીને આ પ્રતિબંધ લાદ્યો હતો.
ચીને આ વર્ષે તિબેટના સૌથી ઊંચા શિખરો ચો ઓયુ (8,188 મીટર), શિશાપાંગમા (8,027 મીટર) અને માઉન્ટ એવરેસ્ટ (8,849 મીટર)ની ઉત્તર બાજુની મુલાકાત લેતા વિદેશી પર્વતારોહકો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.
પર્વતારોહકોની રાહ લંબાઈ
ચીનના આ નિર્ણયને કારણે, નેપાળ સ્થિત પર્વતારોહણ સંચાલકોએ તેમની પાનખર ઋતુની બુકિંગ્સ રદ કરવી પડી છે. પરિણામે, વિશ્વના 8000 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તમામ ૧૪ શિખરો સર કરવાનું લક્ષ્ય રાખતા પર્વતારોહકોની રાહ જોવાનો સમયગાળો ઓછામાં ઓછી વધુ એક ઋતુ જેટલો લંબાઈ ગયો છે.
અગાઉ, ચાઇના-તિબેટ માઉન્ટેનિયરિંગ એસોસિએશને (CTMA) વસંતઋતુ દરમિયાન એવરેસ્ટ, ચો ઓયુ અને શિશાપાંગમાના ઉત્તરીય ભાગ પર ચઢાણ કરવા માટે વિદેશી ટીમો પર પ્રતિબંધ મૂક્યો હતો, જે પ્રતિબંધ હવે લંબાવવામાં આવ્યો છે.
તિબેટ માર્ગે ચઢાણ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં
કાઠમંડુ સ્થિત અભિયાનના આયોજકોના જણાવ્યા અનુસાર, તેમને સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે કે પાનખર ઋતુ દરમિયાન પણ વિદેશી ટીમોને તિબેટના માર્ગેથી પર્વતારોહણ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ અગાઉ, ચીને વસંતઋતુ દરમિયાન પણ એવરેસ્ટ માટે વિદેશી પર્વતારોહકોને કોઈ પરવાનગી આપી ન હતી. પરિણામે, પર્વતારોહકોએ નેપાળ થઈને ચઢાણ કર્યું અને વિક્રમજનક 1,008 પર્વતારોહકોએ નેપાળ તરફથી એવરેસ્ટના શિખરને સફળતાપૂર્વક સર કર્યું.
જોકે, બેઇજિંગે આ પ્રતિબંધના વિસ્તરણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર કે જાહેર સ્પષ્ટતા કરી નથી.
વધુ વાંચો: કેલિફોર્નિયા એસેમ્બલીએ 8 નવેમ્બરે દિવાળીની ઉજવણી કરવાનો ઠરાવ પસાર કર્યો


