ઈરાનને આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ આપવાની ચીનની તૈયારી, ગુપ્તચર એજન્સીઓનો દાવો
બીજિંગ, 11 એપ્રિલ, 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આગામી ચીન મુલાકાત પહેલાં જ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવવાના સંકેતો મળી રહ્યા છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ એક સનસનાટીભર્યો દાવો કર્યો છે કે, ચીન આગામી થોડા અઠવાડિયામાં ઈરાનને અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ પૂરી પાડવાની તૈયારી કરી રહ્યું છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે તાજેતરમાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર) થયો છે.
રિપોર્ટ અનુસાર, ચીન જે હથિયારો ઈરાનને મોકલવાનું છે તે ખભા પર રાખીને ચલાવી શકાય તેવી એન્ટી-એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમ છે, જેને ‘મેનપેડ્સ’ તરીકે ઓળખવામાં આવે છે. આ સપાટીથી હવામાં માર કરનારી મિસાઈલ છે. તેને એક કે બે સૈનિકો સરળતાથી ગમે ત્યાં લઈ જઈ શકે છે. તે ઓછી ઊંચાઈ પર ઉડતા લડાયક વિમાનો માટે અત્યંત ઘાતક સાબિત થાય છે. તાજેતરના સંઘર્ષમાં પણ આવા હથિયારોએ અમેરિકી વિમાનો માટે પડકાર ઊભો કર્યો હતો. ગયા અઠવાડિયે ઈરાન ઉપર તોડી પાડવામાં આવેલું અમેરિકી F-15 લડાયક વિમાન પણ આવી જ હીટ-સીકિંગ મિસાઈલનો શિકાર બન્યું હોવાના સંકેત રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યા હતા.
ખાસ વાત એ છે કે, ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા યુદ્ધવિરામમાં ચીને પોતે મધ્યસ્થી હોવાનો દાવો કર્યો હતો. હવે તે જ ચીન ગુપ્ત રીતે ત્રીજા દેશો દ્વારા ઈરાનને હથિયારો મોકલી રહ્યું હોવાના અહેવાલે તેની મંશા પર સવાલો ઉભા કર્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે ચીન ઈરાનના તેલ પર નિર્ભર છે, તેથી તે ઈરાન સાથેના વ્યૂહાત્મક સંબંધો જાળવી રાખીને અમેરિકા સામે પોતાની પકડ મજબૂત કરવા માંગે છે.
વોશિંગ્ટન સ્થિત ચીની દૂતાવાસના પ્રવક્તાએ આ અહેવાલોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે, “ચીને ક્યારેય સંઘર્ષમાં કોઈ પણ પક્ષને હથિયારો આપ્યા નથી. અમેરિકાએ પાયાવિહોણા આરોપો લગાવવા અને સનસનાટી ફેલાવવાનું બંધ કરવું જોઈએ. ચીન હંમેશા આંતરરાષ્ટ્રીય જવાબદારીઓનું પાલન કરે છે.”
અહેવાલો મુજબ, રશિયા પણ ઈરાનને ગુપ્ત માહિતી શેર કરીને મદદ કરી રહ્યું છે, જ્યારે ચીન પોતાને ‘રક્ષણાત્મક સહયોગી’ તરીકે રજૂ કરી રહ્યું છે. ચીન એવો તર્ક આપી શકે છે કે એર ડિફેન્સ સિસ્ટમ હુમલા માટે નહીં પણ રક્ષણ માટે છે. નોંધનીય છે કે, ઈરાને યુક્રેન યુદ્ધમાં રશિયાને ‘શાહેદ ડ્રોન’ આપીને મદદ કરી છે, જ્યારે તે ચીનને મોટા પ્રમાણમાં તેલ વેચે છે. આગામી મહિનામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચેની મુલાકાતમાં આ મુદ્દો મુખ્ય સ્થાને રહે તેવી પૂરેપૂરી શક્યતા છે.


