નવી દિલ્હી, 14 ઓક્ટોબર 2026: દિલ્હીના જંતર-મંતર પર પરવાનગી વગર પ્રવેશવાનો અને વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરવા બદલ સીજેપીના નેતાઓ સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્ય શિંદેને પાંચ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી પર તીખી પ્રતિક્રિયા આપતા સીજેપીના સ્થાપક અભિજીત દિપકેએ કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું હતું કે, “જંતર-મંતર જઈને રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવવો એ ક્યારથી ગુનો બની ગયો?”

નાગપુરમાં પત્રકારો સાથે વાતચીતમાં અભિજીત દિપકેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દેશમાં અઘોષિત કટોકટી લાદવામાં આવી રહી છે. જો સરકાર કટોકટી લાદવા માંગતી હોય તો સત્તાવાર જાહેરાત કરે. તેમણે ઉમેર્યું કે 1975ની કટોકટીમાં પણ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવા પર આવી કાર્યવાહી થઈ નહોતી. દિપકેએ સ્પષ્ટ કર્યું કે સીજેપી એક સ્વતંત્ર દબાણ જૂથ છે અને તે બંધારણના રક્ષણ માટે લડાઈ ચાલુ રાખશે. તેમણે નાગપુર સ્થિત દીક્ષાભૂમિ જઈને ડો. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને જણાવ્યું કે દેશ માત્ર આંબેડકરજીના પદચિન્હો પર જ ચાલશે.
બીજી તરફ, સીજેપી નેતાઓના વકીલ રત્ના સિંહે દિલ્હી પોલીસ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, અટકાયતમાં લેવાયેલા નેતાઓને લગભગ 24 કલાક સુધી તેમના વકીલો કે પરિવારજનો સાથે મળવા દેવામાં આવ્યા નહોતા. તેમણે દાવો કર્યો હતો કે સ્થાનિક પોલીસ અધિકારીઓ “ઉપરથી મળેલા આદેશો” મુજબ કામ કરી રહ્યા છે અને કાયદાનું પાલન કરી રહ્યા નથી. આ તમામ નેતાઓને મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

-
જંતર-મંતર પર વિરોધ અને SIR વિવાદ
દિલ્હી પોલીસના સૂત્રો મુજબ, વિરોધ પ્રદર્શન માટેના નિયુક્ત સ્થળોની યાદીમાંથી જંતર-મંતરને હટાવી લેવા છતાં આ કાર્યકરોએ ત્યાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેમની એહતિયાતી અટકાયત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, મતદારયાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનમાં કથિત ગેરરીતિઓ સામે સીજેપી અને વિપક્ષી દળો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.


