નવી દિલ્હી, 28 નવેમ્બર 2026: પરિસીમન બિલને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે કેન્દ્રીય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને સરકારનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે પરિસીમન અંગે સૌથી સારી બાબત એ છે કે રાજ્યો વચ્ચે બેઠકોનો હાલનો ગુણોત્તર જાળવી રાખવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે દક્ષિણ હોય કે ઉત્તર, દેશના દરેક રાજ્યનું પોતાનું મહત્વ છે અને વિકાસની સાથે કોઈ પણ રાજ્યના પ્રતિનિધિત્વનું સંતુલન જળવાઈ રહેવું અત્યંત જરૂરી છે.
અર્જુન રામ મેઘવાલે ગૃહ મંત્રાલયના હવાલાથી આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે પરિસીમનથી દક્ષિણ ભારતના પાંચ રાજ્યોને કોઈ નુકસાન નહીં, પરંતુ ફાયદો થશે. હાલ પાંચ દક્ષિણી રાજ્યો પાસે કુલ 543 લોકસભા બેઠકોમાંથી 129 બેઠકો છે, જે કુલ બેઠકોના 23.76 ટકા થાય છે. પ્રસ્તાવિત વિસ્તરણ બાદ 816 બેઠકોમાંથી તેમની પાસે 195 બેઠકો થઈ જશે, જે કુલ બેઠકોના 23.90 ટકા રહેશે, એટલે કે તેમના પ્રતિનિધિત્વના ગુણોત્તરમાં વધારો થશે.
રાજ્યવાર આંકડાની વિગતો આપતા મેઘવાલે જણાવ્યું કે દક્ષિણના દરેક રાજ્યમાં આ જ પેટર્ન લાગુ પડશે. કર્ણાટકની બેઠકો હાલ 28 છે જે વધીને 42 થશે અને તેનો હિસ્સો 5.15 ટકા યથાવત રહેશે. આંધ્રપ્રદેશની બેઠકો 25થી વધીને 38 થશે, જેનાથી તેનું પ્રતિનિધિત્વ 4.60 ટકાથી વધીને 4.65 ટકા થશે. તેલંગાણાની બેઠકો 17થી વધીને 26 થશે અને હિસ્સો 3.13 ટકાથી વધીને 3.18 ટકા થશે. આ ઉપરાંત તમિલનાડુની બેઠકો 39થી વધીને 59 થતા તેનો હિસ્સો 7.18 ટકાથી વધીને 7.23 ટકા થશે, જ્યારે કેરળની બેઠકો 20થી વધીને 30 થશે અને તેનો હિસ્સો 3.68 ટકા યથાવત રહેશે.
-
છેલ્લા 50 વર્ષમાં ભારતમાં મોટા ફેરફારો આવ્યા
અન્ય એક પોસ્ટમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે છેલ્લા 50 વર્ષમાં ભારતમાં મોટા ફેરફારો આવ્યા છે, વસ્તી વધી છે, નવા શહેરો ઊભરી આવ્યા છે અને નાગરિકોની જરૂરિયાતો બદલાઈ છે, તેથી આપણું રાજકીય પ્રતિનિધિત્વ પણ આ ફેરફારોને પ્રતિબિંબિત કરવું જોઈએ. તેમણે શેર કરેલા પોસ્ટરમાં દર્શાવવામાં આવ્યું છે કે સ્વતંત્ર પરિસીમન પંચ દ્વારા હાથ ધરાતી આ બંધારણીય પ્રક્રિયાથી હાલની વસ્તી અને જનસાંખ્યિકીય ફેરફારો મુજબ તમામ ક્ષેત્રોમાં સમાન અને સંતુલિત પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થશે, જેનાથી લોકસભાનો લોકતાંત્રિક પાયો વધુ મજબૂત બનશે.
પ્રસ્તાવિત પરિસીમન માળખા હેઠળ લોકસભાની કુલ બેઠકો 50 ટકા વધીને હાલની 543થી વધીને 816 સુધી પહોંચી શકે છે. આ નવા માળખા મુજબ ઉત્તર પ્રદેશમાં બેઠકો 80થી વધીને 120, મહારાષ્ટ્રમાં 48થી 72, પશ્ચિમ બંગાળમાં 42થી 63, બિહારમાં 40થી 60, મધ્યપ્રદેશમાં 29થી 43, ગુજરાતમાં 26થી 39, રાજસ્થાનમાં 25થી 38 અને ઓડિશામાં 21થી 31 થશે. આ ઉપરાંત પંજાબમાં 13થી 20, અસમ અને ઝારખંડમાં 14થી 21, છત્તીસગઢમાં 11થી 16, હરિયાણામાં 10થી 15, દિલ્હીમાં 7થી 11, જમ્મુ-કાશ્મીરમાં 5થી 7, ઉત્તરાખંડમાં 5થી 8 અને હિમાચલ પ્રદેશમાં 4થી 6 બેઠકો થશે, જ્યારે ગોવા, મણિપુર, મેઘાલય, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં 2થી 3 તેમજ મિઝોરમ, ચંદીગઢ, પુડુચેરી, સિક્કિમ અને નાગાલેન્ડમાં 1થી વધીને 2 બેઠકો થવાનો પ્રસ્તાવ છે.








