Homeગુજરાતીદેશ-વિદેશ4 રાજ્યોમાં ફેલાયેલું નકલી મેડિકલ ડિગ્રી કૌભાંડ ઝડપાયું, 4 આરોપીઓની ધરપકડ

4 રાજ્યોમાં ફેલાયેલું નકલી મેડિકલ ડિગ્રી કૌભાંડ ઝડપાયું, 4 આરોપીઓની ધરપકડ

જયપુર, 28 નવેમ્બર 2026: રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (એસઓજી)એ ચાર રાજ્યોમાં ફેલાયેલા નકલી મેડિકલ ડિગ્રી રેકેટનો પર્દાફાશ કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ ટોળકી લાખો રૂપિયા લઈને એમબીબીએસ, એમડી, ગાયનેકોલોજી અને ડીએમઆરડી જેવી નકલી ડિગ્રીઓ તૈયાર કરતી હતી અને તેને યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન અપલોડ કરાવીને મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન પણ કરાવી આપતી હતી. આ મામલે એસઓજીએ 11મું ધોરણ પાસ રામકિશોર મહાવર નામના શખ્સને ઝડપી પાડ્યો છે, જે નકલી એમબીબીએસ અને એમડી ડિગ્રીના આધારે દિલ્હીની મોટી હોસ્પિટલોમાં ડૉક્ટર તરીકે કામ કરી રહ્યો હતો.

તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેરકાયદેસર ધંધો ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી ચલાવવામાં આવતો હતો અને આશરે સાડા 5 લાખ રૂપિયામાં એમબીબીએસ તથા એમડીની નકલી ડિગ્રી તૈયાર કરી આપવામાં આવતી હતી. એસઓજીની તપાસમાં 40થી વધુ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓની ડિગ્રીઓમાં થયેલા ફર્જીવાડાની વિગતો સામે આવી છે. હાલ પોલીસે આ સમગ્ર નેટવર્કની ચાર મહત્વની કડીઓને ઝડપી લીધી છે અને તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે.

એસઓજીએ અલગ-અલગ સ્થળોએથી આ ટોળકીના ચાર સભ્યોને દબોચી લીધા છે, જેમાં નકલી ડિગ્રીના આધારે ડૉક્ટર બનેલા રામકિશોર મહાવર ઉપરાંત મુંબઈથી ઝડપાયેલા સત્યજીત પાણિગ્રહીનો સમાવેશ થાય છે, જે લોકોનો સંપર્ક કરીને નકલી ડિગ્રીઓનો સોદો કરતો હતો. આ ઉપરાંત નકલી માર્કશીટ, ડિગ્રી અને ડિપ્લોમા તૈયાર કરનાર મનીષ માંઝી તેમજ નકલી ડિગ્રીઓને યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન અપલોડ કરાવનાર ખુર્રમ તૌફીકની લખનઉથી ધરપકડ કરવામાં આવી છે.

  • સિન્ડિકેટ 3 સ્તરે કામ કરતી હતી

પોલીસના જણાવ્યા મુજબ આ સિન્ડિકેટ ત્રણ સ્તરે કામ કરતું હતું, જેમાં પ્રથમ સ્તરે સત્યજીત ગ્રાહકોનો સંપર્ક કરીને તેમની માંગ મુજબ ડિગ્રીનો સોદો કરતો હતો. બીજા સ્તરે મનીષ માંઝી નકલી ડિગ્રી અને માર્કશીટ તૈયાર કરીને વોટ્સએપ મારફતે સત્યજીતને મોકલતો હતો અને જરૂર પડ્યે પ્રિન્ટેડ દસ્તાવેજો ડીટીડીસી કુરિયર દ્વારા પણ મોકલાતા હતા. ત્રીજા અને સૌથી મહત્વના સ્તરે તૈયાર થયેલી નકલી ડિગ્રીઓને સંબંધિત યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન અપલોડ કરાવવામાં આવતી હતી, જેથી તે અસલી લાગે. અગાઉ સિહોરમાં પણ નકલી બીએડ ડિગ્રીના કેસમાં યુનિવર્સિટીના કુલપતિ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરીને કોમ્પ્યુટર ડેટા અને રેકોર્ડ્સ જપ્ત કરાયા હતા.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img