
ગુજરાતમાં તમામ ધાર્મિક સ્થળો પર 14મીથી 22મી જાન્યુઆરી દરમિયાન સ્વચ્છતા અભિયાન યોજાશે
ગાંધીનગરઃ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.22મી જાન્યુઆરીના રોજ યોજાશે. જે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.14/01/2024 થી તા.22/01/2024 સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે. જેના ભાગરૂપે ગુજરાતના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. 14/01/2024 થી તા.22/01/2024 દરમિયાન જન આદોલન યોજાશે એમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર. રાવલની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવાયાનુસાર રાજ્યના તમામે તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા યોજાનાર આ જન આંદોલનમાં રાજ્યના તમામ ગ્રામ્ય/શહેરી વિસ્તારના નાના મોટા તમામે તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવશે.જેમાં તમામ યાત્રાધામોનું પરિસર, ધાર્મિકસ્થળોના મુખ્ય પ્રવેશ માર્ગો તથા ભક્તોની અવર જવર થતી આજુબાજુની જગ્યાની સ્વચ્છતા વ્યવસ્થિત રીતે જળવાય તેવી ઝુંબેશ હાથ ધરવી, કચરો યોગ્ય જગ્યાએ સુવ્યવસ્થિત નિકાલ થાય તે રીતે ડસ્ટબિન તથા અન્ય વસ્તુઓનું વ્યવસ્થાપન ગોઠવી તેના કચરાનું યોગ્ય રીતે ડમ્પિંગ કરવામાં આવે તેમજ કોઈ પણ સ્થાન ઉપર કચરો બિલકુલ ન દેખાય તેની ખાસ કાળજી લેવાશે.
આ સમગ્ર અભિયાનમાં પદાધિકારીઓ, સહકારી સંસ્થાઓ, ધાર્મિક સંગઠનોનો, વિદ્યાર્થીઓનો તથા શૈક્ષણિક સંસ્થાઓનો સહયોગ લઈને આયોજન કરવા અને તમામ વર્ગોને સ્વચ્છતા અંગેની કામગીરીમાં સ્વૈચ્છિક રીતે સામેલ કરવા અને સ્વચ્છતા એ જ સેવા અંગેના પ્રચાર-પ્રસારમાં સહભાગી બનાવવા જીલ્લાના કલેકટરશ્રીઓને સૂચનાઓ આપવામાં આવી છે. સમગ્ર સપ્તાહ દરમ્યાન સ્વચ્છતા ત્યાં પવિત્રતાનું સૂત્ર સાચા અર્થમાં સાર્થક થાય તે માટે ગામે ગામના તીર્થસ્થળોની સઘન સફાઈ થાય અને તે સારું સમાજના તમામ વર્ગોને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કરાયો છે.