
દારૂ નીતિ કેસમાં અરવિંદ કેજરીવાલની ED કરી ધરપકડ, સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગઈકાલે એટલે 21 માર્ચે CM અરવિંદ કેજરીવાલની દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરી છે. જો કે, 21મી માર્ચે દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલને ધરપકડને લઈને સુરક્ષા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જે બાદ EDની ટીમ ગુરુવારે સાંજે 7 વાગે કેજરીવાલના ઘરે પહોંચી હતી. ટીમ પાસે સર્ચ વૉરન્ટ હતું. તપાસ એજન્સીએ સીએમ હાઉસમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. ત્યારબાદ કેજરીવાલની લગભગ 2 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી EDએ રાત્રે 9 વાગ્યે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ કેસમાં મનીષ સિસોદિયા 13 મહિના અને AAP નેતા સંજય સિંહ 6 મહિનાથી તિહાર જેલમાં છે.
સીએમ કેજરીવાલને ED હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં રામ મનોહર લોહિયા (આરએમએલ) હોસ્પિટલના ડૉક્ટરોની ટીમ તેમનો મેડિકલ ટેસ્ટ કરશે. મેડિકલ ટેસ્ટ બાદ કેજરીવાલને ED લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. શુક્રવારે સવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ દરમિયાન ED હેડક્વાર્ટરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ED દ્વારા કેજરીવાલની ધરપકડન બાદ આમ આદમી પાર્ટીએ મોડી રાત્રે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જો કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજીની સુનાવણી માટે ગુરુવારે મોડી રાત્રે સુપ્રીમ કોર્ટની કોઈ વિશેષ બેન્ચની રચના કરવામાં આવી ન હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલની અરજી પર શુક્રવારે સુનાવણી થવાની શક્યતા છે.બીજી તરફ, દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે કેજરીવાલને ઈડીની ધરપકડથી રક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ED અધિકારીઓએ અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવારના સભ્યોના મોબાઈલ ફોન અને અન્ય ડિવાઇસ જપ્ત કર્યા હતા. સીએમ હાઉસની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કેજરીવાલના ઘરની બહાર કલમ 144 પણ લાગુ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈડીએ અરવિંદ કેજરીવાલને લિકર પોલિસી કેસમાં માસ્ટર માઇન્ડ ગણાવ્યા છે.