 
                                    CM સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ, મુખ્યમંત્રીએ 3300 પ્રશ્નોનું કર્યું સુખદ નિવારણ
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમનાં જિલ્લા સ્તરીય સ્વાગતમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને લોકો પોતાની રજુઆતો ઘેર બેઠા કરી શકે તે માટે જિલ્લા સ્વાગતનું ઓનલાઈન પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે.
સામાન્ય રીતે તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં નાગરિકો પોતાની અરજી લેખિતમાં કચેરીમાં રૂબરૂ સંપર્ક કરીને રજૂ કરતા હોય છે. હાલના ઇન્ફર્મેશન ટેકનોલોજીના આ યુગમાં નાગરિકો કચેરીમાં રૂબરૂ ગયા વગર, ઓનલાઇન પ્લેટફોર્મનો ઉપયોગ કરી પોતાની રજૂઆતો/ફરિયાદો/પ્રશ્નોને રજુ કરી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં તાલુકા સ્વાગતમાં ઓનલાઈન માધ્યમથી પોતાની રજૂઆતો / ફરિયાદો / પ્રશ્નો રજૂ કરવાની પધ્ધતિ હાલ સફળતા પૂર્વક કાર્યરત છે.
 તાલુકા સ્વાગતમાં ઓનલાઈન રજુઆતની આ પધ્ધતિને લોકોના મળેલા વ્યાપક પ્રતિસાદને પગલે મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા સ્વાગતમાં પણ ઓનલાઈન માધ્યમથી લોકો પોતાની રજૂઆતો / ફરિયાદો / પ્રશ્નો રજૂ કરી શકે તે હેતુથી જિલ્લા સ્વાગતનાં ઓનલાઈન રજુઆત માટેનાં પ્લેટફોર્મનો શુભારંભ કરાવ્યો છે.
તાલુકા સ્વાગતમાં ઓનલાઈન રજુઆતની આ પધ્ધતિને લોકોના મળેલા વ્યાપક પ્રતિસાદને પગલે મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા સ્વાગતમાં પણ ઓનલાઈન માધ્યમથી લોકો પોતાની રજૂઆતો / ફરિયાદો / પ્રશ્નો રજૂ કરી શકે તે હેતુથી જિલ્લા સ્વાગતનાં ઓનલાઈન રજુઆત માટેનાં પ્લેટફોર્મનો શુભારંભ કરાવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સ્વાગતમાં આ પ્લેટફોર્મ લોન્ચ કર્યું તે અવસરે મુખ્યમંત્રીનાં મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને અન્ય વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
શુક્રવારે યોજાયેલા રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં શહેરી વિકાસ, પંચાયત, શિક્ષણ, ગૃહ વિભાગ, ઉદ્યોગ, મહેસૂલ, તથા નર્મદા અને જળ સંપત્તિ વિભાગને સ્પર્શતી લોકોની રજુઆતો મુખ્યમંત્રીએ સાંભળી હતી અને સંબંધિત સચિવો અને જિલ્લા કલેક્ટરો રજુઆતોનાં નિવારણ માટે માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, જિલ્લા સ્વાગતમાં કલેક્ટરો દ્વારા જે રજુઆતોનું નિવારણ થયું હોય તે સંદર્ભમાં સંબંધિત જિલ્લા અધિકારીઓ સાથે સમીક્ષા યોજીને સમય મર્યાદામાં તેનું પાલન થાય તે કલેક્ટરો સુનિશ્ચિત કરે તે આવશ્યક છે. ઓક્ટોબર-2023 મહિનાના સ્વાગત કાર્યક્રમમાં ગ્રામ, તાલુકા, જિલા અને રાજ્ય સ્વાગત મળીને 3,300 ઉપરાંત રજુઆતોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું છે.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, જિલ્લા સ્વાગતમાં ઓનલાઈન રજુઆત માટે મુખ્યમંત્રીએ લોન્ચ કરેલા આ પ્લેટફોર્મનાં માધ્યમથી હવે નાગરિકો તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં પોતાની રજૂઆતો/ફરિયાદો/પ્રશ્નો, પુરતી માહિતી અને પુરાવા સાથેની અરજી દર અંગ્રેજી માસની 01 થી 10 તારીખ સુધીમાં ઓનલાઈન માધ્યમથી રજૂ કરી શકશે. આ હેતુસર નાગરિકો જિલ્લા સ્વાગતમાં https://swagat.gujarat.gov.in/Citizen_Entry_DS.aspx?frm=ws પર પોતાની રજુઆતો ઓનલાઇન મોકલી શકશે. જિલ્લા સ્વાગતમાં ઓનલાઈન મળેલ રજૂઆતો પૈકી, જિલ્લા કલેક્ટર જિલ્લા સ્વાગતમાં સમાવેશ કરવા માંગતા હોય તેવી રજૂઆતોનો જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવાનો રહેશે. બાકી રહેલ તમામ અરજીઓ જિલ્લા કલેક્ટર કચેરીએ સંબંધિત તાલુકાના મામલતદારને તાલુકા સ્વાગતમાં સમાવેશ કરવા માટે મોકલી આપવાની રહેશે. આ અરજીઓ તાલુકા સ્વાગતની અરજી તરીકે ગણીને તેનો નિકાલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં નિયમાનુસાર કરવાનો રહેશે. જિલ્લા કલેક્ટર કચેરીએ, જે અરજી તાલુકા સ્વાગતમાં તબદીલ કરવામાં આવેલ હોય તે અરજદારને પત્ર, ટેલિફોનિક મેસેજ અથવા ટેલીફોનિક સૂચના દ્વારા તાલુકા સ્વાગતના સમય અને સ્થળની વિગતો જણાવી, હાજર રહેવા માટે જાણ કરવાની રહેશે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

