
- મહારાષ્ટ્રમાં CNG-PNGના ભાવમાં વધારો
- એક સપ્તાહમાં બીજી વખત વધ્યા ભાવ
- CNG ગેસ 12 રૂપિયા થયો મોંઘો
મુંબઈ:નેચરલ ગેસના ભાવમાં વધારા બાદ CNG અને PNG ના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.મહારાષ્ટ્રમાં સીએનજી અને પીએનજી ગેસના ભાવમાં કિલો દીઠ રૂ. 5 અને રૂ. 4.50નો વધારો થયો છે.નવી કિંમતો મંગળવાર રાતથી લાગુ થઈ ગઈ છે.છેલ્લા એક સપ્તાહમાં તેમના ભાવમાં આ બીજો વધારો છે.
અગાઉ 6 એપ્રિલે CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 7 રૂપિયા અને PNGના ભાવમાં 5 રૂપિયા પ્રતિ ઘનમીટરનો વધારો કરવામાં આવ્યો હતો. એક સપ્તાહની અંદર મહારાષ્ટ્રમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 12 અને પીએનજીના ભાવમાં રૂ. 9.5 પ્રતિ ઘનમીટરનો વધારો થયો છે.
મહાનગર ગેસ લિમિટેડે 31 માર્ચ 2022ના રોજ CNGના ભાવમાં રૂ. 6 અને PNGના ભાવમાં રૂ. 3.50નો ઘટાડો કર્યો હતો.વેટમાં ઘટાડા બાદ આ કપાત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં CNG અને PNG પરનો વેટ 1 એપ્રિલ 2022થી 13.5 ટકાથી ઘટાડીને 3 ટકા કરવામાં આવ્યો છે.
નવા વધારા બાદ મહારાષ્ટ્રમાં ઓટો માટે ઉપયોગમાં લેવાતા CNG ગેસની કિંમત 72 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ઘરેલું પાઈપ્ડ નેચરલ ગેસની કિંમત 45.50 રૂપિયા થઈ ગઈ છે.હકીકતમાં 1 એપ્રિલે, કેન્દ્ર સરકારે ઘરેલુ કુદરતી ગેસના ભાવમાં 110 ટકાથી વધુનો વધારો કર્યો હતો,ત્યારબાદ દેશના વિવિધ રાજ્યોમાં સીએનજી અને પીએનજીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
સીએનજી અને પીએનજીના ભાવમાં વધારાને કારણે એલએનજીના ભાવ અત્યાર સુધીના ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે. ભાવમાં ઉછાળો હોવા છતાં મહારાષ્ટ્રમાં CNG પેટ્રોલ કરતાં 59 ટકા અને ડીઝલ કરતાં 31 ટકા સસ્તું છે. સ્થાનિક PNG ગેસની કિંમત LPG ગેસ કરતા 19 ટકા ઓછી છે.