 
                                    ઉ.ભારતમાં હિમ વર્ષાને પગલે ઠંડીનો ચમકારો વધશે, દ.ભારતમાં પણ સામાન્ય વરસાદની આગાહી
- પંજાબના કેટલાક ભાગમાં ધુમ્મસ છવાશે
- લક્ષદીપમાં પણ હળવા વરસાદની આગાહી
નવી દિલ્હીઃ ઉત્તરભારતની સાથે આગામી દિવસોમાં દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં હળવાથી સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પંજાબમાં ધુમ્મસથી ચાદર છવાવાની આગાહી પણ કરવામાં આવી છે. તેમજ હિમ વર્ષાને પગલે ઉત્તર ભારતના રાજ્યોમાં શિલ લહેરનું મોજુ ફરી વળવાની શક્યતા છે.
જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિત, બાલ્તિસ્તાન અને મુજફ્ફરાબદમાં હળવો વરસાદ તથા હિમવર્ષા ઉપરાંત પંજાબ તથા હરિયાણામાં સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહી અને લક્ષદ્વીપમાં આગામી 4 દિવસ સુધી હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે છે. આસામ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા તથા હરિયાણા અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ધુમ્મસ રહેવાની સંભાવના છે. પંજાબના કેટલાક ભાગોમાં આગામી 4 દિવસ સુધી ભારે ધુમ્મસ છવાઈ શકે છે. ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં આવતીકાલે ન્યૂનતમ તાપમાનમાં વૃદ્ધિ થઈ શકે છે. આગામી બે દિવસોમાં પૂર્વીય ભારતમાં ન્યૂનતમ તાપમાનમાં વધારો થઈ શકે છે. ઉત્તરભારતમાં હિમ વર્ષાની સાથે સામાન્ય વરસાદની આગાહીને પગલે ઠંડીનો ચમકારો વધવાની શકયતા છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

