
અરબી સમુદ્રમાં બે વિદેશી જહાજ વચ્ચે ટક્કર, તમામ ક્રુ મેમ્બરનો બચાવ
અમદાવાદઃ ગુજરાતના દરિયામાં દેવભૂમિ દ્વારકા નજીક બે જહાજો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતને પગલે આગની પણ ઘટના બની હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી કોસ્ટગાર્ડની ટીમે બચાવ કામગીરી આરંભી હતી. લગભગ 33 જેટિલા ક્રુ મેમ્બરને બચાવી લેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં અકસ્માતને પગલે દરિયામાં ઓઈલ ઢોળાયું છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ બંને જહાજો વિદેશી હોવાનું જાણવા મળે છે. અકસ્માતને પગલે એક જહાજમાં આગ લાગી હોવાનું જણ જાણવા મળે છે. જો કે, કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકાના ઓખાથી 10 માઇલ દૂર અરબી સમુદ્રમાં બે વિદેશી કાર્ગો જાહજ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં એક જાહજ હોંગકોંગ અને બીજું માર્શલ આઇલેન્ડનું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.. હોંગકોંગના જહાજના ક્રુ મેમ્બર ભારતીય અને માર્શલ આઇલેન્ડના કાર્ગો જહાજમાં ફિલિપાઇન્સના ક્રુ મેમ્બર હોવાની વિગતો સામે આવી. મધદરિયે વિદેશી જહાજ વચ્ચે ટક્કરના અહેવાલ મળતા જ ભારતીય કોસ્ટગાર્ડની ટીમો મદદ માટે પહોંચી હતી અને બંને કાર્ગો શિપને સમુદ્રમાં પ્રદૂષણ નિયંત્રણ કરવાની સૂચના આપી હતી. કોસ્ટ ગાર્ડના બે નાના જહાજો બચાવ કામગીરી માટે પહોંચ્યા હતા. બંને જહાજોમાંથી ઓઇલ લીક ન થાય તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. બંને જહાજમાં સવાર તમામ ક્રૂ હવે સુરક્ષિત હોવાનું જાણવા મળે છે.