1. Home
  2. ગુજરાતી
  3. પરમાણુ સમજૂતી માટે આગળ આવો, નહીંતર આગામી હુમલો વધુ ઘાતક હશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી
પરમાણુ સમજૂતી માટે આગળ આવો, નહીંતર આગામી હુમલો વધુ ઘાતક હશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી

પરમાણુ સમજૂતી માટે આગળ આવો, નહીંતર આગામી હુમલો વધુ ઘાતક હશેઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી

0
Social Share

ન્યુયોર્ક, 29 જાન્યુઆરી 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પરમાણુ વાટાઘાટોમાં ચાલી રહેલા ગતિરોધને લઈને ઈરાન વિરુદ્ધ પોતાની ધમકીઓ ફરી ઉચ્ચારી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે ભવિષ્યમાં થનારો કોઈપણ હુમલો ભૂતકાળની કાર્યવાહીઓ કરતા ક્યાંય વધુ ભયાનક હશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક પોસ્ટ દ્વારા તેહરાનને પરમાણુ હથિયારોના નાબૂદી માટે એક નિષ્પક્ષ અને ન્યાયી કરાર કરવા માટે વહેલી તકે વાટાઘાટો કરવા આગ્રહ કર્યો છે. તેમણે ઉમેર્યું કે હવે સમય ઓછો બચી રહ્યો છે. ઈરાન પર અગાઉ થયેલા હુમલાઓનો ઉલ્લેખ કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે જો ઈરાન સહકાર નહીં આપે, તો આગામી હુમલો અત્યંત વિનાશક હશે.

ટ્રમ્પના આ નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપતા ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું કે, દેશની સશસ્ત્ર સેનાઓ પોતાની જમીન, આકાશ કે જળસીમા પર થનારા કોઈપણ આક્રમણનો ત્વરિત અને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે. જોકે, તેમણે ભારપૂર્વક જણાવ્યું કે: ઈરાન હંમેશા નિષ્પક્ષ અને ન્યાયી પરમાણુ કરારનો પક્ષધર રહ્યું છે.  ઈરાને ક્યારેય પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયાસ કર્યો નથી.  ઈરાન ધમકી કે દબાણ હેઠળની મુત્સદ્દીગીરીને સ્વીકારતું નથી.

સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના મિશન અને નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ  પણ આ વલણને સમર્થન આપતા કહ્યું કે, જો ઈરાનને ઉશ્કેરવામાં આવશે તો તે અગાઉ કરતા વધુ મજબૂતીથી પોતાનું રક્ષણ કરશે. વધતા તણાવ વચ્ચે ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે અમેરિકા ઈરાન પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને એક વિશાળ નૌકાદળનો કાફલો તે ક્ષેત્ર તરફ આગળ વધી રહ્યો છે. બીજી તરફ અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે માહિતી આપી છે કે પ્રાદેશિક ભાગીદારીને મજબૂત કરવા અને કોઈપણ પરિસ્થિતિમાં ત્વરિત પ્રતિસાદ આપવા માટે હાલમાં ઘણા દિવસો સુધી ચાલનારો સૈન્ય અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ કાશ્મીર ખીણમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, વરસાદની આગાહી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code