
ગુજરાતમાં ગ્રીન કવરમાં ચિંતાજનક ઘટાડો, વિકાસના નામે 10 લાખથી વધુ વૃક્ષોનું નિકંદન કઢાયુ
અમદાવાદઃ દેશનું ગ્રોથ એન્જિન ગણાતા ગુજરાતમાં વિકાસના નામે પર્યાવરણનો નાશ થતો જાય છે. છેલ્લા એક દાયકામાં લાખોની સંખ્યામાં લીલાછમ અને ઘટાટોપ વૃક્ષો જડમુળમાંથી કાપવામાં આવ્યા છે. તેના લીધે ગુજરાતના ગ્રીન કવરમાં પણ ઘટાડો થયો છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના “સ્ટેટ ઓફ ફોરેસ્ટ રીપોર્ટ 2021” (IFSR) માં દેશના મેગા સિટી અમદાવાદમાં મોટા પાયે ફોરેસ્ટ કવરમાં ઘટાડો થયો હોવાનું કહેવામાં આવ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે “હરિયાળું ગુજરાત”,વન મહોત્સવ, વન સંરક્ષણની મોટી મોટી વાતો કરતી ભાજપ સરકારમાં વિકાસના નામે બેફામ વૃક્ષો કપાઈ રહ્યા છે, વર્ષ 2013-2021ના સમય ગાળામાં સરકારે વિકાસના નામે 10 લાખ કરતા વધુ ઝાડ કાપવાની સત્તાવાર મંજુરી આપી છે. બિનસત્તાવાર રીતે 30 લાખ કરતા વધુ ઝાડનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું. બીજી બાજુ, વનીકરણને નામે મેળા-ઉત્સવો થઇ રહ્યા છે. એટલે 17.86 ચોરસ કી.મી.માંથી 9.47 ચોરસ કી.મી. એટલે કે 48 ટકાનો ઘટાડો થયો છે, અમદાવાદમાં 8.55 ચોરસ કી.મીમાં ઘટાડો થયો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં “મિશન મિલિયન ટ્રી”ના નામે શહેરી વિસ્તારમાં વૃક્ષારોપણની કામગીરી માત્ર કાગળમાં જોવા મળી છે. બીજી બાજુ, ગુજરાતનું ટ્રી કવર વર્ષ 2019માં 6912 ચોરસ કી.મી. અને વર્ષ 2021માં 5489 ચોરસ કિ.મી. થયું એટલે કે માત્ર બે વર્ષની અંદર 1423 ચોરસ કી.મી. જેટલા મોટા વિસ્તારમાંથી વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું. રહેણાંક, ધંધાકીય, ઔદ્યોગિક બાંધકામોને કારણે 2005માં 8168.31 હેક્ટર હતો. જે 2011માં 10058.43 હેક્ટર એટલે કે 1890.12 હેક્ટરનો વધારો થયો. આજ રીતે વર્ષ 2011 થી 2016માં 14144.22 હેક્ટર સામે 4085.79 હેકટરનો ઉમેરો થયો. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના “સ્ટેટ ઓફ ફોરેસ્ટ રીપોર્ટ 2021” (IFSR) અનુસાર છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતના નવ જીલ્લાઓ અમદાવાદ, બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા, સુરેન્દ્રનગરમાં ફોરેસ્ટ કવરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ભાજપ સરકારમાં વિકાસનાં નામે માત્ર બે વર્ષમાં અમદાવાદ– ગાંધીનગરમાં જ 17422 વૃક્ષોનું નિકંદન કાઢી નખાયું, જે પર્યાવરણ માટે ખૂબ જ ચિંતાજનક બાબત છે.
ગુજરાતમાં દિનપ્રતિદિન ગ્રીનકવરમાં ઘટાડો થઇ રહ્યો છે. સતત વધતા જતા તાપમાન એ મોટા પડકાર છે ત્યારે રાજ્યમાં અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં વિકાસનાં નામેં વૃક્ષો કાપવાની પ્રવૃત્તિને રોકવામાં આવે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યનો કુલ વિસ્તાર 1,96,02,400 હેક્ટર છે. વર્ષ 2015-16માં રાજ્યનો કુલ વનવિસ્તાર 22,30,264 હેક્ટર હતો. જે વનવિસ્તાર તા.31-12-2017ની સ્થિતિએ ઘટીને 21,84,025 હેક્ટર થયો છે. આણંદ જીલ્લામાં વર્ષ 2015-16માં વનવિસ્તાર 41,269 હેક્ટર હતો જે ઘટીને શૂન્ય થઇ ગયો છે.