અમદાવાદઃ મહાનગરપાલિકાએ તાજેતરમાં વર્ષ 2023-24નું રૂ. 9482 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જો કે, કોંગ્રેસે બજેટમાં કેટલાક સુધારા વ્યક્ત કર્યાં હતા. તેમજ બજેટનું કદ વધારીને રૂ. 9735 કરોડ કરવા માંગણી કરી હતી. વિપક્ષ કોંગ્રેસે શહેરમાં પ્રાથમિક સુવિધાઓ લોકોને મળે તેના પર ભાર મુક્યો છે. ટ્રાફિકને લઈ શહેરના ગીચ વિસ્તારમાં બીઆરટીએસ ટ્રેક દૂર કરવાનું પણ ઠરાવવામાં આવ્યું હતું. નવા વિસ્તારમાં લોકોને રોડ, ગટર, પાણી જેવી સુવિધાઓ મળી રહે તે માટે બજેટ ફાળવ્યું છે. અમદાવાદ હેરિટેજ સિટી છે તેમજ શહેરની ઓળખ ધાર્મિક સ્થળોનો વિકાસ કરવા પર પણ ભાર મૂક્યો છે. આ ઉપરાંત મહિલા ઉદ્યોગકારો માટે પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવાની માંગણી કરી છે. આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો પર PQC ટેકનોલોજી વાળા રોડ બનાવવાની માગ કરી છે.
કોંગ્રેસે બજેટમાં કેટલાક સુધારા મુકાયાં છે, જેમ કે, શહેરમાં વિવિધ જગ્યાએ વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા, શહેરને નશામુક્ત બનાવવા માટે રીહેબ સેન્ટર ઉભા કરવા માટે, જુના એલિસબ્રિજનું નવીનીકરણ માટે, પીરાણા ખાતે આવેલા કચરાનો ડુંગર છ માસમાં દૂર કરવાની માંગણી કરી છે. શહેરમાં AMCની એમ્બ્યુલન્સ સેવાઓ 108ની જેમ ફ્રી કરવા, સાબરમતી નદી માં આવેલા તમામ ફ્રેન્ચવેલ કાર્યરત કરવા, AMCની તમામ મિલકતો પર સોલર પેનલ લગાવવા, નવા સમાયેલા વિસ્તારમાં પ્રાથમિક સુવિધા વધારવા, તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે મહિલાઓને નિશુલ્ક સેનેટરી પેડ ઉપલબ્ધ કરાવવા આ ઉપરાંત વધુ સાત શબવાહીની ખરીદવાની માંગણી કરી હતી. તેમજ વધુમાં રજૂઆત કરી છે કે, ઇવેન્ટ મેનેજમેન્ટ સેલની રચના કરવી જોઈએ, 24 કલાક પૂરતા પ્રેશરથી પાણી આપવા, ધાર્મિક સ્થાનોનો વિકાસ કરવા, પૂર્વ વિસ્તારમાં એમજે લાઇબ્રેરી જેવી અદ્યતન લાઇબ્રેરી ઉભી કરવા, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં એનિમલ હોસ્ટેલ ઉભી કરવા, સાબરમતી નદીનું શુદ્ધિકરણ, એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને મફત સારવાર આપવા, રેન બસેરાનો મહત્તમ ઉપયોગ થાય તેવા બનાવવા, ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે બીઆરટીએસ ટ્રેક દૂર કરવા અને રોડ સેફટી માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી યુનિફોર્મ પોલિસી બનાવવી જોઈએ.