
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની મહામારીને કારણે મોટી સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલમાં બેડ, એમ્બ્યુલન્સમાં લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે. ઓક્સિજનના બાટલા અને રેમડેસિવિર ઇન્જેક્શન મળતા નથી. ત્યારે કોંગ્રેસે માગણી કરી છે કે, આવી વિકટ ઘડીમાં વિદેશથી ભણીને પરત આવેલા ગુજરાતી તબીબોની સેવાનો લાભ લેવો જાઈએ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સેક્રેટરી અને રાજકોટ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજપુતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. રજુઆત કરી છે કે, વિદેશમાં અભ્યાસ કરીને પરત ફરેલા ગુજરાતી ડોક્ટરોનો કોરોનાની મહામારીમાં સેવા માટે લાભ લેવો જોઈએ. ગુજરાતમાં આવા 25 હજારથી વધુ ડોક્ટર્સ વિદેશમાં અભ્યાસ કરીને પરત ફરેલા છે. તેમની મદદથી મેડિકલ સ્ટાફને ખૂબ જ આશીર્વાદરૂપ બનશે. કોરોનાની મહામારીમાં પોઝિટિવ કેસ અને મોતનો આંક વધી રહ્યો છે ત્યારે આ એક જ ઉપાય છે. કોવિડ હોસ્પિટલમાં સ્થાનિક આવા વિદેશથી આવેલા તબીબોને સરકારનો સહયોગ લે તેવી માગ છે. વિદેશથી આવેલા MBBSના આવા તબીબો ખૂબ જ સારવારમાં ઉપયોગ બનશે. આપણા દેશમાંથી વિદેશમાં ડોક્ટરનો અભ્યાસ કરી ત્યાંના નિયમ મુજબ MBBSની ડિગ્રી સાથે ભારત દેશમાં પરત આવ્યા છે. ત્યારે સરકારે આવા તમામ ડોક્ટરોની સેવા કોરોનાના દર્દીઓની સારવાર માટે લેવી જોઇએ. જો સરકાર આમ કરશે તો હાલમાં જે ખેંચ પડી રહી છે તે દૂર થઇ શકે તેમ છે.
માત્ર ગુજરાતમાં જ લગભગ આશરે 20થી 25 હજાર જેટલા સ્ટુડન્ટ ડોક્ટરનો વિદેશમાં અભ્યાસ પૂર્ણ કરી આવી ગયા છે. દેશમાં આવા ડોક્ટરો જેઓ વિદેશથી ભણીને ભારત દેશમાં પરત આવી ગયા છે. દેશમાં આવા ડોક્ટરની સંખ્યા લગભગ 4.5થી 5 લાખ થવા જઇ રહી છે. જો કેન્દ્ર સરકાર આ તમામને કોરોનાની સારવાર માટે બોલાવે તો તેઓ ચોક્કસપણે આવવા તૈયાર થાય તેમ છે. સરકારે આવા ડોક્ટરો માટે ખાસ પ્રકારનું પેકેજ પણ જાહેર કરવું જોઇએ.