
સૌરાષ્ટ્ર યુનિ.ના ખર્ચે શૈક્ષણિક સંઘના કાવ્ય મહાકુંભનો કાર્યક્રમ યોજાતા વિવાદ સર્જાયો
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક સંઘના આગેવાનોએ યુનિવર્સિટીના 3.30 લાખના ખર્ચે કાવ્ય મહાકુંભનો કાર્યક્રમ યોજતા વિવાદ ઊભો થયો છે. અને કોંગ્રેસે માગણી કરી છે. કે, કાવ્ય મહાકુંભનો ખર્ચ શૈક્ષણિક સંઘ પાસેથી વસુલ કરવો જોઈએ.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો.નિદત બારોટે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખર્ચે યોજાયેલા કાવ્ય મહાકુંભના કાર્યક્રમ માટે ખિસ્સામાંથી એક ફદીયુ કાઢ્યા વગર જશ લેવાની શૈક્ષિક સંઘના આગેવાનોએ દોડ લગાવેવી જે ખુલ્લી પડી ગઈ છે. કાવ્ય મહાકુંભનો કાર્યક્રમ ગુલાબદાસ બ્રોકર ચેર હેઠળ યોજવા માટે યુનિવર્સિટીની ફાયનાન્સ સમિતિ દ્વારા 3.30 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ખરેખર ગુજરાતી ભવનના અધ્યક્ષ જોષીએ આયોજીત કરવાનો હતો. કારણ કે, બ્રોકર ચેરના કોર્ડીનેટર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. પરંતુ આ કાર્યક્રમમાં શૈક્ષણિક સંઘના આગેવાનોએ યુનિવર્સિટી ખર્ચે વાહવાહી લૂંટી છે. શૈક્ષણિક સંઘની સૌરાષ્ટ્રની પાંખ અને એમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલા શૈક્ષણિક સંઘના લોકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વારંવાર બ્લેકમેલિંગ કરતા હોય અને પોતાનું ધાર્યું કરાવતા હોય તેવા અનેક ઉદાહરણો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે પ્રજ્ઞેશભાઈને પત્ર લખીને અનેક ઉદાહરણો આપવામાં આવ્યા હતા કે, તમારા શૈક્ષણિક સંઘના બેનર હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંઘ સાથે જોડાયેલા હોવાનું નાટક કરતા કેટલાક લોકો માત્ર શૈક્ષણિક સંસ્થાને જ નહીં પરંતુ સમગ્ર સંઘને બદનામ કરી રહ્યાં છે. આ વાતને સાબિતી આપતું હાલમાં જ રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોદેદારોએ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બ્રોકર ચેર દ્વારા સતત 24 કલાક કાવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો સમગ્ર ખર્ચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઉપાડ્યો હતો. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખર્ચે અને બ્રોકર ચેરના અયોજનના કાર્યભાર જાણે રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ દ્વારા કરવામાં આવ્યો હોય તે રીતે નિમંત્રણ કાર્ડ છાપવામાં આવ્યા હતા. નિમંત્રણ કાર્ડમાં પહેલી જ લીટીમાં ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘનું આયોજન હોય તે રીતે સમગ્ર બાબત રજૂ કરવામાં આવી હતી.
તેમણે ઉમેર્યું હતું કે, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના નામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને દબાવીને કામ કરવા ટેવાયેલા શૈક્ષણિક સંઘના પ્રમુખ કમલ મહેતાએ પોતાનું નામ પણ નિમંત્રણ કાર્ડમાં છાપી દીધું અને જાણે સમગ્ર કાર્યક્રમનું આયોજન અને ખર્ચ તેઓએ કર્યો હોય તેવું આવા આગેવાનોને ગેરલાભ લેતા કુલપતિએ અટકાવવા જોઇએ. ડો.બારોટે કુલપતિ સમક્ષ માગણી કરી છે કે, તમે આ ખર્ચનો ઓછામાં ઓછો 50 ટકા હિસ્સો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘ રાજકોટ પાસેથી મેળવો. જો આમ કરવામાં નહીં આવે તો નાગપુર ખાતે સંઘના મહત્વના લોકોને આ સમગ્ર બાબતની જાણ કરીને વધુ આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની ફરજ પડશે.