
કોરોના સંકટઃ અમદાવાદ સહિત આઠ શહેરોમાં રાત્રિ કરફ્યુ લંબાવાયો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, કોરોનાનું સંક્રમણ વધારે ના ફેલાય તે માટે અમદાવાદ સહિત આઠ શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા આ કર્ફ્યુ તા. 25મી સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. તેમજ કરફ્યુનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાને પગલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર શહેરમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ શહેરોમાં રાતના 11થી સવારના 6 કલાક સુધી રાત્રિ કરફ્યુ ઉપરાંત કેટલાક નિયંત્રણોનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ ગૃહ વિભાગના વિવિધ નિર્દેશોથી તા. 15મી સપ્ટેમ્બર સુધી કરફ્યુમાં લંબાવવામાં આવ્યો હતો. દરમિયાન હાલની પરિસ્થિતિની સમીક્ષા બાદ આ આઠ શહેરોમાં તા. 15મી સપ્ટેમ્બરથી તા. 25મી સપ્ટેમ્બર સુધી રાતના 11થી સવારના 6 કલાક સુધી રાત્રિ કરફ્યુ અવધિ લંબાવવામાં આવી છે.