
કોરોનાનો નવો સ્ટ્રેઈન RTPCR ટેસ્ટમાં પણ નથી પકડાતોઃ રિપોર્ટ નેગેટિવ હોય તો પણ કોરોનાના લક્ષણો
અમદાવાદઃ કોરોનાનો બીજો સ્ટ્રેન વધુ ઘાતક હોવાનો તબીબોનો મત છે. કોરોના સતત અને ઝડપથી પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. કોરોનાનો નવો મ્યૂટન્ટ દેશભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. જોકે, ચોંકાવનારી વાત એ છે કે, વાયરસના ડબલ અને ટ્રિપલ મ્યૂટન્ટ RT-PCR તપાસમાં પણ પકડાતો નથી. ખુદ તબીબો પણ આ વાત સ્વીકારી ચૂક્યા છે
નવા વાયરસના સ્ટ્રેઈનમાં તેના લક્ષણો પણ બદલાઈ ગયા છે. જેની ગંભીરતા વિશે તબીબો પણ માહિતી આપી ચૂક્યા છે. હવે કોરોનાના દર્દીમાં ત્વચામાં નિશાન પડવા, આંખોમાં સંક્રમણ થવું, ભ્રમની સ્થિતિ ઊભી થવી, સમજવાની શક્તિ ઓછી થવી, સાથે લાંબા સમય સુધી સ્વાદ અને સૂંઘવાની શક્તિ ઘટી જવી, ઝાડા, પેટ દર્દ, ગળામાં કફ, શરીરમાં દુખાવો અને તાવ જેવાં લક્ષણ તો જોવા મળે જ છે. પણ સૌથી ગંભીર બાબત એ છે કે, આરટીપીસીઆર ટેસ્ટમાં પણ કોરોના વાયરસના નવા મ્યૂટન્ટ પકડાતા નથી. નિષ્ણાંત તબીબોના મતે દોઢ મહિનાથી કોરોનાના કેસ વધ્યા છે. હાલ ઈન્ડિયાનો જ ત્રિપલ મ્યુટન્ટ સ્ટ્રેઈન ઘાતક છે. વાયરસ ઝડપથી બદલાતો હોવાથી ટેસ્ટમાં પકડાઈ નથી રહ્યો. હાલ ક્લિનિકલ પેશન્ટમાં પણ જોઈ રહ્યા છે કે, દર્દીમાં તમામ કોવિડના લક્ષણો દેખાય છે, છતાં આરટીપીઆર ટેસ્ટ નેગેટિવ આવે છે. અમે પણ વિચારમાં મૂકાઈ જઈએ છીએ. તેથી અમે જ્યા સુધી તાવ ન ઉતરે ત્યાં સુધી આઈસોલેશનમાં રાખીએ છીએ. ફરીથી બે-ત્રણ દિવસ બાદ ટેસ્ટ કરાવીએ છીએ. છતા પણ પકડમાં ન આવે તો સિટી સ્કેનથી નિદાન કરીએ છીએ. નવા કેસમાં આ વાયરસ જોવા મળી રહ્યો છે. તેના નવા લક્ષણો પણ જોવા મળી રહ્યાં છે. કોઈને આંખમાં ઈન્ફેક્શન, કોઈને માથાનો દુખાવો, કોઈને થાક, સ્કીન પર રેશિસ જેવા લક્ષણો દેખાય રહ્યાં છે. વેક્સિન લેનારાઓને પણ આ ઈન્ફેક્શન થઈ રહ્યું છે. તેથી આ વાયરસ નેચરલ ઈમ્યુનિટીને પણ બાયપાસ કરી રહ્યો છે. તેથી સેલ્ફ લોકડાઉન જ એક ઓપ્શન છે. આગામી 15 દિવસ આપણા માટે ચેલેન્જિંગ છે. તેથી બધા જ નિયમોનું પાલન કરવુ પડશે.