
ભારતમાં અમેરિકાની જોન્સન એન્ડ જોન્સન કંપનીની કોરોના વેક્સિનને મળી મંજૂરી, સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી
- જે એન્ડ જે કંપનીની વેક્સિનને મળી ભારતમાં મંજૂરી
- સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી
- વેક્સિનેશનની ગતિને મળશે વેગ
નવી દિલ્લી: કોરોના સામેની લડાઈને તેજ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વધારે એક પગલુ લેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા અમેરિકાની જોન્સન એન્ડ જોન્સન કંપનીની વેક્સિનને ઈમરજન્સી ઉપયોગી માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ વેક્સિનનો લોકોને એક જ ડોઝ મળશે કારણ કે બીજા ડોઝની જરૂર રહેતી નથી. જાણકારી અનુસાર આ વેક્સિન ભારતના બજારમાં ખૂબ જલ્દીથી આવી શકે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જાણકારી અનુસાર જોન્સન એન્ડ જોન્સન કંપનીની વેક્સિન અન્ય બીમારીઓથી બચાવવા માટે પણ ઉપયોગી છે. આ વેક્સિનને ફ્રિઝરમાં રાખવાની પણ જરૂર નથી અને તેના એક જ ડોઝથી લોકો સ્વસ્થ થઈ જાય તેવા પરીણામ છે.
આ રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપનીની સિંગલ ડોઝ રસી કોરોના સામે 85 ટકા રક્ષણ આપશે. આ ઉપરાંત, એવો દાવો કરવામાં આવ્યો છે કે રસીકરણના 28 દિવસની અંદર, તે મૃત્યુ દર ઘટાડવામાં, દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા ઘટાડવામાં સક્ષમ છે.
જોન્સન એન્ડ જોન્સન કંપનીની શરૂઆત વર્ષ 1886માં થઈ હતી અને તે ત્યારથી લઈને અત્યાર સુધી મેડિકલ ક્ષેત્રે કામ કરતી કંપની છે. જોનસન એન્ડ જોનસન કંપનીની ઓફિસ દુનિયાના 60 દેશોમાં છે અને તે વિશ્વના 175 જેટલા દેશોમાં પોતાની મેડિકલ સામગ્રીને નિકાસ કરે છે.