
કોરોનાની ત્રીજી લહેરના ભણકારાઃ દિલ્હીમાં 86 ટકા અને મુંબઈમાં 82 ટકા કેસમાં વધારો
દિલ્હીઃ ભારતમાં ઓમિક્રોન વેરિએન્ટના ખતરા વચ્ચે કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યાં છે. દરમિયાન દેશની રાજધાની દિલ્હીમાં એક જ દિવસમાં પોઝિટિવ કેસમાં 86 ટકા અને મુંબઈમાં 82 ટકા જેટલો વધારો થયો હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર દેશની રાજધાની દિલ્હીમાં એક જ દિવસમાં કોરોનાના 923 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. સંક્રમણ દર પણ 1.29 ટકા નોંધાયો છે. રાજસ્થાનમાં 217 દિવસ બાદ 131 નવા કેસ સામે આવ્યાં છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક જ દિવસમાં 2510 જેટલા નવા કેસ સામે આવ્યાં છે. ધારાવીમાં પણ 17 નવા કેસ નોંધાયાં છે.
કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે એક જ દિવસમાં દિલ્હીમાં 86 ટકા અને મુંબઈમાં 82 ટકા વધારે કેસ નોંધાયાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાના 3900 કેસ નોંધાયાં હતા. જેમાં ઓમિક્રોનના 85 કેસનો સમાવેશ થાય છે. દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના 250 જેટલા નવા કેસ સામે આવ્યાં છે.
દિલ્હીમાં સૌથી વધારે 238, રાજસ્થાનમાં 69, ગુજરાતમાં 97, મહારાષ્ટ્રમાં 252, કર્ણાટકમાં 43, ગોવામાં એક, પોડિંચરીમાં 2, તમિલનાડુમાં 45, કેરલમાં 65, જમ્મુ-કાશ્મીરમાં 3, હરિયાણામાં 12, ચંદીગઢમાં 3, લદ્દાખમાં 1, હિમાચલમાં 1, ઉત્તરાખંડમાં 4, ઉત્તરપ્રદેશમાં 4, મણિપુરમાં 1, મધ્યપ્રદેશમાં 9, પશ્ચિમબંગાલમાં 11, ઓડિસામાં 08, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં 16 કેસ અત્યાર સુધીમાં ઓમિક્રોનના નોંધાયાં છે. આમ દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 947 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે.
(PHOTO-FILE)