
કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ: ભારત 85માં ક્રમાંક પર, યુરોપના દેશોમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર
- સીપીઆઈનો રિપોર્ટ
- ભારતનો ક્રમ 85મો
- યુરોપના દેશોમાં ઓછો ભ્રષ્ટાચાર
અમદાવાદ: ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના તાજા કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ-2021 મુજબ વિશ્વમાં સૌથી ઓછા ભ્રષ્ટ દેશોની યાદીમાં સ્વીટ્ઝર્લેન્ડ, નેધરલેન્ડ, લક્ઝમ્બર્ગ અને જર્મની ટોચના 10 દેશોની યાદીમાં સ્થાન ધરાવે છે. જ્યારે ભારતમાં છેલ્લા એક વર્ષમાં ભ્રષ્ટાચારમાં કોઈ ઘટાડો થયો નથી તેમ ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા કરપ્શન પર્સેપ્શન ઈન્ડેક્સ-2021 પરથી જણાયું છે.
ભારત 40 પોઈન્ટ સાથે 85મા ક્રમે છે. ભારતની સાથે માલદિવ્સ પણ 85માં ક્રમે છે. આ યાદીમાં ‘૦’થી ‘100’ પોઈન્ટ આપવામાં આવે છે, જેમાં ‘૦’ એટલે સૌથી ભ્રષ્ટ અને ‘100’ એટલે સૌથી સ્વચ્છ માનવામાં આવે છે.
ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના તાજા સીપીઆઈ 2021 મુજબ પાકિસ્તાનને 100માંથી 28 પોઈન્ટ અપાયા છે, જે દર્શાવે છે કે પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. પાકિસ્તાન ગયા વર્ષ કરતાં 16 ક્રમ નીચે ગગડી ગયું છે. આ યાદીમાં દુનિયામાં સૌથી સ્વચ્છ ટોચના 10 દેશમાં ડેન્માર્ક, ફિનલેન્ડ અને ન્યૂઝીલેન્ડ સ્થાન ધરાવે છે. આ ત્રણેય દેશોમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર હોવાને કારણે તે 88 પોઈન્ટ સાથે ટોચના સ્તરે છે. ત્યાર પછી નોર્વે, સિંગાપોર અને સ્વીડનનો સમાવેશ થાય છે, જેમણે 85 પોઈન્ટ મેળવ્યા હતા.
આ યાદીમાં અમેરિકા ૬૭ પોઈન્ટ સાથે 27મા ક્રમે છે. ભારત 40 પોઈન્ટ સાથે 85મા ક્રમે છે, જે દર્શાવે છે કે તેના ગયા વર્ષના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતનો પડોશી દેશ બાંગ્લાદેશ પણ 26 પોઈન્ટ સાથે 147મા ક્રમે છે જ્યારે શ્રીલંકા 37 પોઈન્ટ સાથે 102મા ક્રમે છે. 180 દેશોની યાદીમાં અફઘાનિસ્તાન, ઉત્તર કોરિયા અને યમન 174મા ક્રમે છે