
રાજકોટઃ દેશમાં હરવા-ફરવામાં ગુજરાતના લોકો પ્રથમ ક્રમાંકે છે. દેશના કોઈપણ પ્રવાસન સ્થળે ગુજરાતીઓ તો મળી જ રહેશે, હવે સાતમ-આઠમના તહેવારો નજીક છે. ત્યારે ગુજરાતના ઘણાબધા પરિવારોએ નજીકના અથવા દુરના સ્થળોએ ફરવા જવા માટેનો પ્લાન ઘડી કાઢ્યો છે. સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના તહેવારોનું વિશેષ મહાત્મ્ય હોય છે. ગામેગામ જન્માષ્ટમીના મેળાઓ યોજાતા હોય છે. જ્યારે ઘણા પરિવારો રજાનો લાભ લઈને ફરવા માટે ઉપડી જતાં હોય છે. આ વખતે પણ ફરવા જવા માટે ગોવા હોટ ફેવરિટ બની રહ્યું છે. ગોવા માટે અત્યારથી જ બસ અને ટ્રેનમાં બુકિંગ હાઉસફુલ થઈ ગયું છે. જ્યારે રાજકોટ એરપોર્ટથી જતી એક માત્ર ગોવાની ડાયરેક્ટ ફ્લાઇટના ભાડામાં બમણો વધારો ઝીંકી દેવામાં આવતા તેની સીધી અસર સહેલાણીઓના ખિસ્સા પર જોવા મળી શકે છે.
રાજકોટ શહેરના એક ટ્રાવેલ્સ એજન્ટના કહેવા મુજબ ઉનાળુ વેકેશન બાદ શ્રાવણ મહિનામાં સાતમ-આઠમની રજામાં પણ લોકો ફરવા માટે નીકળી જતા હોય છે. દર વર્ષે ગોવા સૌરાષ્ટ્રવાસીઓ માટે હોટ ફેવરિટ હોય છે. જો કે, આ વખતે આખા સપ્તાહની રજાનો લાભ મળતો હોવાથી 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી મિની વેકેશનના પ્લાનિંગ શરૂ થયાં છે. ગોવા માટે અત્યારથી જ બસ અને ટ્રેનમાં બુકિંગ હાઉસફુલ થઈ ગયું છે. જ્યારે રાજકોટ એરપોર્ટથી જતી એક માત્ર ગોવાની ડાયરેક્ટ ફ્લાઇટના ભાડામાં બમણો વધારો ઝીંકી દેવામાં આવતા તેની સીધી અસર સહેલાણીઓના ખિસ્સા પર જોવા મળી શકે છે.
શહેરની અન્ય એક ટ્રાવેલ્સ કંપનીના મેનેજરે જણાવ્યું હતું કે, સાતમ-આઠમમાં આ વખતે હિમાચલ પ્રદેશની ખરાબ પરિસ્થિતિના કારણે લોકો અસમંજસમાં મુકાઈ ગયા છે. જે લોકોએ અગાઉથી હિમાચલ પ્રદેશ માટે ટૂર બુકિંગ કરાવી છે, તે લોકો કેન્સલ કરાવી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાનું ધોવાણ થઈ ગયું છે. જેના કારણે ભારે મુશ્કેલીનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે. બીજી તરફ ઈન્ટરનેશનલમાં દુબઈ અને થાઈલેન્ડ પણ હોટ ફેવરિટ છે. આ મિની વેકેશનમાં 7 દિવસનો સમય મળતો હોવાથી ઈન્ટરનેશનલ બુકિંગ પણ મળી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે સાતમ-આઠમના તહેવાર માટે 15 દિવસ અગાઉ બુકિંગ શરૂ થઈ જતું હોય છે. શહેરના લોકો મન મૂકીને ફરવા માટે આ વખતે વીક-એન્ડ મળતું હોવાથી 3થી 10 સપ્ટેમ્બર દરમિયાન મિની વેકેશન ટ્રિપનું પ્લાનિંગ કરી રહ્યા છે. દર વર્ષે સાતમ આઠમમાં મોટાભાગે લોકો ગોવા જતા હોય છે, પરંતુ આ વખતે ગોવા ઉપરાંત કેરલા, બેંગ્લોર, મૈસુર, સાઉથ ઇન્ડિયા તરફ ફરવા જવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે. આ સાથે ઈન્ટરનેશનલ માટે દુબઇ અને થાઈલેન્ડનું પ્લાનિંગ પણ લોકો કરી રહ્યા છે. જ્યારે ગોવા જવાનું પ્લાનિંગ કરતા લોકોના ખિસ્સા ઉપર આ વખતે જરૂર અસર પહોંચી શકે તેમ છે. કારણ કે, ગોવા જવા માટે ટ્રેન અને બસમાં અત્યારથી બુકિંગ હાઉસફુલ છે અને ફ્લાઈટના ભાડામાં ઓલમોસ્ટ બમણો વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય દિવસોમાં રાજકોટથી ગોવા ફ્લાઈટનું ભાડું 4500થી 5000 રૂપિયા એક વ્યક્તિની ટિકિટ ભાડું હોય છે. જે અત્યારે બમણું એટલે કે, 9000થી વધુ જોવા મળી રહ્યું છે. જો કે, આનાથી એવું પણ બની શકે લોકો અમદાવાદથી ગોવાની ફ્લાઈટ બુકિંગ પણ કરાવી શકે છે. ઉનાળુ વેકેશન બાદ સાતમ-આઠમના તહેવાર પર મિની વેકેશનની મજા માણવા આ વર્ષે લોકો તેના બજેટ મુજબ ફરવાનાં સ્થળોએ 3, 4 કે 7 દિવસનાં પેકેજ લઈ રહ્યા છે. ચાર લોકોના એક પરિવાર દીઠ હાલ એકાદ લાખ રૂપિયાનો ખર્ચ સામાન્ય બની ગયો છે.