1. Home
  2. ગુજરાતી
  3. દેશમાં શિક્ષણ ઉપર સંકટ? 10 વર્ષમાં 93,000 થી વધુ શાળાઓને લાગ્યા તાળાં
દેશમાં શિક્ષણ ઉપર સંકટ? 10 વર્ષમાં 93,000 થી વધુ શાળાઓને લાગ્યા તાળાં

દેશમાં શિક્ષણ ઉપર સંકટ? 10 વર્ષમાં 93,000 થી વધુ શાળાઓને લાગ્યા તાળાં

0
Social Share

નવી દિલ્હી, 3 ફેબ્રુઆરી 2026: ભારતીય શિક્ષણ વ્યવસ્થાને લઈને સંસદમાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. છેલ્લા એક દાયકામાં દેશભરમાં આશરે 93,000 થી વધુ શાળાઓ બંધ થઈ ગઈ છે. કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં આ ચોંકાવનારી વિગતો રજૂ કરી હતી. આ આંકડાઓ સામે આવ્યા બાદ હવે દેશમાં શિક્ષણના માળખા અને તેની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

સરકારી ડેટા અનુસાર, શાળાઓ બંધ થવાનો સિલસિલો 2014-15 થી 2019-20 ના સમયગાળામાં સૌથી વધુ જોવા મળ્યો હતો. આ 6 વર્ષમાં જ દેશભરમાં 70,000 થી વધુ શાળાઓ પર તાળાં વાગી ગયા હતા. ત્યારબાદ કોરોનાકાળ અને તે પછીના વર્ષોમાં (2020-21 થી 2024-25) વધુ 18,700 શાળાઓ બંધ થઈ હતી. જોકે આ સમયગાળામાં ગતિ થોડી ધીમી પડી હતી, પરંતુ પ્રક્રિયા અટકી નથી.

રાજ્યવાર આંકડાઓ પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશ આ યાદીમાં પ્રથમ ક્રમે છે, જ્યાં સૌથી વધુ 24,600 શાળાઓ બંધ કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં 22400, ઓડિશામાં 5400, ઝારખંડમાં 5000, રાજસ્થાનમાં 2500થી વધારે શાળાઓ બંધ થઈ છે. તાજેતરના વર્ષોમાં (2020-2025) મધ્ય પ્રદેશ ફરી એકવાર મોખરે રહ્યું છે જ્યાં 6,900 શાળાઓ બંધ થઈ છે, જ્યારે જમ્મુ-કાશ્મીરમાં પણ 4,400 શાળાઓ બંધ થતા ચિંતા વધી છે.

શિક્ષણ ક્ષેત્રે કાર્યરત એક્ટિવિસ્ટ્સ અને સામાજિક સંગઠનો આ આંકડાઓને ‘શિક્ષણ વિરોધી’ ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે શાળાઓ બંધ થવાને કારણે ગ્રામીણ અને ગરીબ વર્ગના બાળકો માટે શિક્ષણ મેળવવું વધુ મુશ્કેલ બનશે. જોકે, કેટલીક રાજ્ય સરકારો આ આંકડાઓને સંપૂર્ણપણે સ્વીકારતી નથી અથવા તો ‘સ્કૂલ મર્જર’ (શાળાઓનું એકત્રીકરણ) ને આનું મુખ્ય કારણ ગણાવે છે.નિષ્ણાતોના મતે શાળાઓ બંધ થવા પાછળ મુખ્યત્વે સ્કૂલ મર્જર પોલિસી, માળખાગત સુવિધાઓનો અભાવ અને ખાનગી સ્કૂલોનો ક્રેઝ માનવામાં આવે છે.

(PHOTO-FILE)

આ પણ વાંચોઃ પાકિસ્તાનને રશિયાનો ઝટકો: ભારત સાથેના વિવાદમાં મધ્યસ્થી કરવાનો ઇનકાર

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code