મણિપુરમાં બોમ્બ હુમલામાં બે માસૂમ બાળકોના મોત બાદ પાંચ જિલ્લામાં કરફ્યુ, તણાવની પરિસ્થિતિ
ઈમ્ફાલ, 8 એપ્રિલ 2026: મણિપુરમાં શાંતિના પ્રયાસો વચ્ચે ફરી એકવાર હિંસાની આગ ભભૂકી ઉઠી છે. બિષ્ણુપુર જિલ્લામાં થયેલા એક ઘાતકી બોમ્બ હુમલામાં બે માસૂમ બાળકોના કરુણ મોત નિપજતા સમગ્ર રાજ્યમાં રોષ ફાટી નીકળ્યો છે. પરિસ્થિતિ બેકાબૂ બનતા પ્રશાસને પાંચ ખીણ જિલ્લાઓમાં કરફ્યુ લાદી દીધો છે અને ઈન્ટરનેટ સેવાઓ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે વહેલી સવારે જ્યારે આખો પરિવાર નિદ્રાધીન હતો, ત્યારે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ મોઈરાંગ ત્રોંગલાઓબી વિસ્તારમાં એક રહેણાંક મકાન પર બોમ્બ ફેંક્યો હતો. આ હુમલામાં 5 વર્ષનો છોકરો અને તેની માત્ર 6 મહિનાની બહેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમની માતા ગંભીર રીતે ઘાયલ થઈ છે. બાળકોના મોતથી ઉશ્કેરાયેલા આશરે 400 લોકોના ટોળાએ સુરક્ષિત ગણાતા CRPF કેમ્પ પર હુમલો કર્યો હતો.
દેખાવકારોનો આરોપ હતો કે, સુરક્ષા દળો ઉગ્રવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા છે. ભીડને વિખેરવા માટે સુરક્ષા દળોએ કરેલા ગોળીબારમાં અન્ય 2 લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ હિંસા દરમિયાન પ્રદર્શનકારીઓએ બે તેલના ટેન્કર અને એક ટ્રકને આગ ચાંપી દીધી હતી તથા પોલીસ ચોકીમાં તોડફોડ કરી હતી.
વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, ઈમ્ફાલ પૂર્વ, ઈમ્ફાલ પશ્ચિમ, બિષ્ણુપુર, થૌબલ અને કાકચિંગ જિલ્લામાં હાલ સ્થિતિ તણાવપૂર્ણ પરંતુ નિયંત્રણમાં છે. મંગળવાર મોડી રાત્રે પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થતા પોલીસે અશ્રુગેસના ગોળા છોડ્યા હતા. આજે બુધવારે સવારથી કોઈ નવી હિંસાના સમાચાર નથી, પરંતુ સાવચેતીના ભાગરૂપે ભારે પોલીસ બળ તૈનાત રાખવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી વાય. ખેમચંદ સિંહે રાજ્યની સ્થિતિની સમીક્ષા કરવા માટે તાકીદની સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. તેમણે આ કાયરતાપૂર્ણ બોમ્બ હુમલાની સખત નિંદા કરી હતી અને જાહેરાત કરી હતી કે આ કેસની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સીને સોંપવામાં આવશે. તમામ રાજકીય પક્ષોએ જનતાને શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા અપીલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મે 2023થી મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ચાલી રહેલી વંશીય હિંસામાં અત્યાર સુધીમાં 260થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો બેઘર બન્યા છે.


