
સાયબર ક્રાઈમ કરનારા ફેસબુક પર મોકલે છે ફેક રિકવેસ્ટ, અને બને છે પછી લૂંટની ઘટના
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટવાક વર્ષોથી સ્માર્ટફોનનો વપરાશ વધતા ઓનલાઈન છેતરપીંડીના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન સોશિયલ મીડિયામાં સુંદર ચહેરાવાળી યુવતીના નામે ફ્રેન્ડ રિક્વસ્ટ મોકલ્યાં બાદ ન્યૂડ કોલ કરીને સામેવાળી વ્યક્તિને ફસાવીને મોટી રકમ પડાવતી હોવાની ગેંગ સક્રીય થઈ છે.
આ ટોળકીની ઝાળમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓ સહિત ઘનાઢ્ય પરિવારના યુવાનો પણ ફસાયાં હતા. જો કે, સમાજના ઈજ્જત જવાના ડરે તેઓ સામે આવતા ડરી રહ્યાં હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન અમદાવાદ સાઈબર સેલમાં જ 6 મહિનામાં આવી 500થી વધુ ફરીયાદ મળી હોવાનું જાણવા મળે છે. જેથી સીઆઈડીનાં સાઈબર ક્રાઈમ સેલે એડવાઈઝરી જાહેર કરી છે કે, ફેસબુક પર સુંદર ચહેરા તરફથી આવતી ફ્રેન્ડ રિકવેસ્ટને લઈને એલર્ટ રહો.
પ્રાપ્ત માહિતી અનુસાર એક ઉચ્ચ અધિકારીને ફેસબુક પર 6 જુને એક અજાણી મહિલા તરફથી ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી અને તે ફ્રેન્ડ બની ગયા હતા. આ પછી મહિલાએ તેમને ફોન સેકસની ઓફર કરી હતી. બાદમાં મહિલાએ પોતાનું અસલીરૂપ દેખાડી રૂ. પાંચ લાખની માંગણી કરી હતી. જેથી અધિકારીએ સાઈબર ક્રાઈમ સેલનો સંપર્ક કર્યો હતો. આ સિવાય અન્ય બે સરકારી અધિકારીઓ પણ આ રીતે સેકસ કોલની ઝપટમાં આવ્યા હતા.
સાઈબર ક્રાઈમ પોલીસે જણાવ્યું હતું કે મોટાભાગનાં આવા કોલ પશ્ચિમ બંગાળથી આવ્યા હતા. તો કેટલાંક કોલ રાજસ્થાનનાં ભરતપુરમાંથી આવ્યા હતા. અમદાવાદમાં સાઈબર ક્રાઈમ સેલને 6 મહિનામાં 500થી વધુ ફરીયાદ મળી છે. આ પ્રકારના વધતા જતા કેસને લઈને ગત અઠવાડીયે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે અને તે સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને સાઈબર રેન્જ પોલીસ સ્ટેશનમાં ફોરવર્ડ કરાઈ છે.